લંડનઃ સામાન્યપણે પતિ-પત્નીને એકબીજાના વેતનની જાણ હોય તેમ માની લેવાય છે. જોકે, આ વાત સાચી નથી. એક અભ્યાસ અનુસાર પરીણિત દંપતીના માત્ર ૫૬ ટકાને તેમના પાર્ટનર કેટલું કમાય છે તેની જાણકારી હતી. ઘણાં દંપતી નાણાકીય બાબતોની ચર્ચા કરવાનું ટાળે છે. જોકે, સ્ત્રીઓ વધુ હોંશિયાર હોય છે અને તેમના પાર્ટનર કેટલું કમાય છે તેના પર ચાંપતી નજર રાખતી હોય છે.
દંપતીઓ જીવનભર સાથ નિભાવવા સંમત થાય છે, પરંતુ પોતાના બેન્ક સ્ટેટમેન્ટ્સ અન્ય સાથીને બતાવવા ખચકાટ અનુભવે છે. ક્રેડિટ રેટિંગ એજન્સીએ ૨૦૦૦ વ્યક્તિના કરેલા સર્વે અનુસાર અડધાઅડધ દંપતીને તેમના સાથીની કેટલી કમાણી છે તેની જાણકારી હોતી નથી. ૩૩ ટકા પરીણિતો તેમના સાથીને માત્ર જાણવાજોગ માહિતી જ આપે છે. સર્વેમાં જણાયું હતું કે ૬૦ ટકા સ્ત્રીઓ તેમના સાથીના પગાર વિશે જાણતી હતી, જેની સરખામણીએ ૫૨ ટકા પુરુષને તેમના જીવનસાથીના પગારની જાણકારી હતી.
ઘણા યુગલો સાથે રહેવાના, સગાઈ કરવાના કે બાળકના જન્મ સહિતની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પહેલા નાણાકીય બાબતોની ચર્ચા કરવાનું ટાળે છે. સાથે રહેવાનો નિર્ણય કરનારા બે તૃતીઆંશથી ઓછાં સ્ત્રી-પુરુષ નાણાકીય બાબતો ચર્ચે છે. લગ્ન સમયે આ ટકાવારી ૫૦ ટકા થઈ જાય છે. બાળકનું આગમન થવાનું હોય ત્યારે ૧૦માંથી ચાર જ દંપતી નાણા વિશે વાતચીત કરે છે. ૨૫ ટકા દંપતી તેમના સાથીના માથે કોઈ દેવું ન હોવાનું માને છે, જ્યારે હકીકત એ છે કે સરેરાશ યુકે પરિવાર પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ્સ અને ઓવર ડ્રાફ્ટ તરીકે £૧૦,૦૦૦નું દેવું ધરાવતો હોય છે.