લંડનઃ મેથ્સના વિષયને વધુ વ્યવહારૂ બનાવવાના પ્રયાસરૂપે જીસીએસઇના અભ્યાસક્રમમાં સુધારા કરાશે. 18 વર્ષ સુધીની વયના વર્ગોમાં મેથ્સને ફરજિયાત કરવાની વડાપ્રધાન રિશી સુનાકની યોજનાના ભાગરૂપે જીસીએસઇમાં ટેક્સ રિટર્ન કેવી રીતે ભરવા તે અંગેનું શિક્ષણ સામેલ કરવાની વિચારણા ચાલી રહી છે. જીસીએસઇમાં ભણાવાતા મેથ્સ અંગેની સમીક્ષામાં મહત્વના સુધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર સરકાર હાલના પુનઃપરીક્ષા આપવાના નિયમોની પણ સમીક્ષા કરી રહી છે. આ નિયમ અનુસાર નાપાસ થનારા વિદ્યાર્થીને જીસીએસઇમાં તે 18 વર્ષનો થાય અથવા તો ફરી પાસ ન કરે ત્યાં સુધી ફરી અભ્યાસ કરવો પડે છે. આ વર્ષના જીસીએસઇના પરિણામોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ મેથ્સમાં નાપાસ થતાં ટોરી સાંસદો આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવા સરકાર પર દબાણ કરી રહ્યાં છે.
18 વર્ષની વય સુધી મેથ્સ ફરજિયાત કરવાના સુનાકના લક્ષ્યાંકને હાંસલ કરવા સલાહ આપવા રચાયેલી નિષ્ણાતોની સમિતિએ જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ માટે મેથ્સનો વિષય સરળ બને તે માટે તેમાં ટેક્સ અને ફુગાવા જેવા પ્રકરણો સામેલ કરવા જોઇએ.

