લંડનઃ ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આઇર્લેન્ડમાં લાખો વિદ્યાર્થીઓના જીસીએસઈ પરિણામો જાહેર થતાં ગ્રેડિંગમાં વિદ્યાર્થિનીઓનું વર્ચસ્વ યથાવત રહ્યું છે, પરંતુ ગત વર્ષની સરખામણીએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓએ પ્રાપ્ત કરેલા ગ્રેડમાં તફાવત ઘટ્યો હતો.
ઇંગ્લેન્ડ, વેલ્સ અને નોર્ધર્ન આઇર્લેન્ડમાં 24.4 ટકા વિદ્યાર્થિનીઓએ ગ્રેડ 7 કે તેથી વધુ (A અથવા A* સમાન) મળ્યા છે, જ્યારે વિદ્યાર્થીઓમાં આ પ્રમાણ 19.6 ટકા રહ્યું છે. ગત વર્ષે ઉચ્ચ ગ્રેડમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થિની વચ્ચે 5.1 ટકાનો તફાવત હતો, જે આ વર્ષે ઘટીને 4.8 ટકા થયો છે.
ઓછામાં ઓછો ગ્રેડ 4 (C ગ્રેડ) મેળવનાર વિદ્યાર્થીઓની એકંદર ટકાવારી 67.3 ટકા રહી છે, જે રોગચાળા પહેલાના 2019ના સ્તરને સમકક્ષ છે. લંડનમાં 28.6 ટકા વિદ્યાર્થીઓએ ટોચના ગ્રેડ (ગ્રેડ 7 અથવા તેથી વધુ) મેળવીને પ્રદેશોમાં પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે નોર્થ-ઈસ્ટમાં આ પ્રમાણ સૌથી ઓછું (17.7 ટકા) નોંધાયું છે.


