લંડનઃ ગર્લફ્રેન્ડ સમક્ષ જુઠ્ઠાણા ચલાવી 69,000 પાઉન્ડની છેતરપિંડી આચરનાર પરેશ પટેલને બર્મિંગહામ ક્રાઉન કોર્ટ દ્વારા 18 મહિનાની કેદ ફટકારવામાં આવી છે. પરેશ પટેલ જુગારના રવાડે ચડી ગયો હતો. તેણે પોતાનું અપહરણ થયું છે, પોતાને કેન્સર થયું છે, માતાનું મોત થયું છે જેવા બહાના રજૂ કરીને ગર્લફ્રેન્ડ પાસેથી હજારો પાઉન્ડ પડાવ્યા હતા. ગોસ્પેલ લેન ખાતે રહેતા પરેશ પટેલે નાણા પડાવવા માટે બહાના રજૂ કરી છેતરપિંડી કર્યાના આરોપ કબૂલી લીધા હતા.
પરેશ પટેલ અને પીડિતા વચ્ચે જાન્યુઆરી 2022માં મુલાકાત થયા બાદ સંબંધ બંધાયો હતો. પરેશ છાશવારે નવા બહાના રજૂ કરીને પીડિતા પાસે ઓનલાઇન નાણા પડાવતો હતો. તે હંમેશા એવું વર્તન કરતો કે ઇમર્જન્સી આવી પડી છે તેથી પીડિતા તેને મદદનો ઇનકાર કરી શક્તી નહોતી. એક સમય તો એવો આવ્યો કે પીડિતાની તમામ બચતો ખાલી થઇ જતાં પરેશે તેની પાસે લોન પણ લેવડાવી હતી. જો પીડિતા નાણા ન આપે તો તે રિલેશનશિપ તોડી નાખવા અને આત્મહત્યા જેવી ધમકીઓ પણ આપતો હતો. તે હંમેશા નાણા પરત કરવાના વચન આપતો પરંતુ ફૂડી કોડી પણ પરત કરી નહોતી.