જુગારનું દુષણ અટકાવવા કાયદામાં મોટા બદલાવની સરકારની તૈયારી

જુગારની જાહેરાતોમાં આકરી ભાષામાં ચેતવણી સામેલ કરવાની વિચારણા

Wednesday 04th January 2023 06:06 EST
 
 

લંડન

મોટી સંખ્યામાં લોકો જુગારના આદી બની રહ્યા હોવાથી સરકાર હવે જુગાર અંગેની જાહેરાતોમાં વપરાતી ભાષા વધુ આકરી બનાવવાની વિચારણા કરી રહી છે. અગાઉના સ્લોગનો લોકોને જુગાર રમતા અટકાવવામાં નિષ્ફળ જઇ રહ્યા હોવાની ટીકા થઇ રહી છે. ઓસ્ટ્રેલિયામાં સરકાર જુગારની લતમાં સપડાતાં લોકોને અટકાવવા માટેની જાહેરાતોમાં આકરા સંદેશા સામેલ કરી રહી છે. જેમાં જુગાર સામે ચેતવણી આપતાં લોકોને જણાવવામાં આવી રહ્યું છે કે તમે નાણા ગુમાવો તેની તકો વધુ રહેલી છે, તમે જીતશો તેનાથી વધુ ગુમાવશો, જુગાર રમવા કરતાં તમે ખરીદી કરશો તો કેવા લાભ થશે.

ગેમ્બલિંગ મિનિસ્ટર પોલ સૂલીએ ઓસ્ટ્રેલિયાની સરકાર દ્વારા અમલી બનાવાયેલા સ્લોગનોનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, સરકાર પણ નવા વર્ષમાં નવા સ્લોગનો જારી કરવાની તૈયારી કરી રહી છે ત્યારે તેમાં આકરી ભાષા સામેલ કરવાની ભલામણ અમલી બનાવવામાં આવી શકે છે. અમે જુગારના કારણે થનારા નુકસાન અંગે લોકોને અસરકારક રીતે સાવચેત કરવા પર વિચારણા કરી રહ્યાં છીએ. અમે ઓસ્ટ્રેલિયામાં કરાયેલા બદલાવને ધ્યાનમાં લીધાં છે અને આપણા દેશમાં તેનો અમલ કેટલો કારગર નીવડી શકે તે અંગે વિચારણા કરી રહ્યાં છીએ.

વડાપ્રધાન રિશી સુનાક ઓનલાઇન જુગાર પર નિયંત્રણ લાદવાની યોજના તૈયાર કરી રહ્યાં છે. બ્રિટનમાં 22 લાખ લોકો જુગારની બદીમાં સપડાય તેવું જોખમ રહેલું છે. પૂર્વ વડાપ્રધાન લિઝ ટ્રસે તેમના ટૂંકા કાર્યકાળ દરમિયાન જુગારના કાયદાઓની સમીક્ષાને અભેરાઇ પર ચડાવી દીધી હતી. બિઝનેસ પર અસરની ચિંતાના કારણે આ સમીક્ષામાં વારંવાર વિલંબ થતો રહ્યો છે. ઓનલાઇન જુગારના કારણે કેટલાક લોકોના જીવનો પર ગંભીર અસર પડી રહી હોવાની ચેતવણીઓ બાદ રિશી સુનાકે જુગાર અંગેના કાયદાઓની સમીક્ષા પર ભાર મૂક્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter