લંડન
નર્સોએ પાંચ ટકા પગારવધારાની ઓફર નકારી કાઢતાં એનએચએસમાં વધુ અંધાધૂંધી સર્જાવાનો ભય સર્જાયો છે. જો જુનિયર ડોક્ટરો અને નર્સો એકસાથે મળીને હડતાળ પર જશે તો એનએચએસની કામગીરી સંપુર્ણપણે ખોરવાઇ જશે. રોયલ કોલેજ ઓફ નર્સિંગે જણાવ્યું હતું કે, તેના 54 ટકા સભ્યોએ પગાર વધારાની ઓફર ફગાવી દીધી છે. નર્સોના યુનિયનને એનએચએસ દ્વારા પાંચ ટકા પગાર વધારા અને એક ટકા બોનસ એમ કુલ 6 ટકા વધારાની ઓફર અપાઇ હતી.
આરસીએને જણાવ્યું હતું કે, પગાર વધારાની ઓફર પુરતી નથી. તેથી હવે તેના સભ્યો 30 એપ્રિલના રાતના 8 કલાકથી બીજી મેના રાતના આઠ કલાક સુધી 48 કલાકની હડતાળ પર જશે. ભવિષ્યમાં જુનિયર ડોક્ટરો અને નર્સો એકસાથે હડતાળ પર જશે કે કેમ તેવી સંભાવના બ્રિટિશ મેડિકલ એસોસિએશને પણ નકારી કાઢી નથી. જેમની એપોઇન્ટમેન્ટ રદ કરાઇ છે તેવા દર્દીઓ માટે આ અત્યંત ચિંતાજનક સમાચાર છે.
મોટી ચિંતાનો વિષય એ છે કે આગામી હડતાળમાં એએન્ડઇ, ઇન્ટેન્સિવ કેર અને કેન્સર વોર્ડમાં ફરજ બજાવતી નર્સો પણ પહેલીવાર પિકેટિંગમાં જોડાશે. જેની અસર ગંભીર બિમારી ધરાવતા દર્દીઓની સારવાર પર પડશે.

