જુનિયર ડોક્ટરોની ચાર દિવસની હડતાળે આરોગ્ય સેવાઓને બાનમાં લીધી

હડતાળના કારણે 3,50,000 જેટલી એપોઇન્ટમેન્ટ અને સર્જરી રદ કરાઇ

Tuesday 11th April 2023 13:49 EDT
 
 

લંડન

ગયા સપ્તાહમાં ઇંગ્લેન્ડમાં જુનિયર ડોક્ટરો 4 દિવસની હડતાળ પર જતાં આરોગ્ય સેવાઓ ખોરવાઇ ગઇ હતી. તેના કારણે એનએચએસના વેઇટિંગ લિસ્ટ પર ગંભીર અસર પડી હતી. જુનિયર ડોક્ટરોની હડતાળના કારણે 3,50,000 જેટલી એપોઇન્ટમેન્ટ રદ કરવાની ફરજ પડી હતી. જુનિયયર ડોક્ટરો પગારમાં 35 ટકાનો વધારો માગી રહ્યા છે.

ઇસ્ટર મન્ડેના બીજા દિવસથી જુનિયર ડોક્ટરોની ચાર દિવસની હડતાળનો પ્રારંભ થયો હતો. આ હડતાળ એનએચએસના 75 વર્ષના ઇતિહાસની સૌથી વ્યાપક હડતાળ રહી હતી. જેના કારણે 3,50,000 એપોઇન્ટમેન્ટ અને સર્જરી રદ કરવાની ફરજ પડી હતી. આ હડતાળના કારણે મોટી સંખ્યામાં દર્દીઓ જોખમમાં મૂકાયા હતા.

જુનિયર ડોક્ટરોની હડતાળના કારણે એનએચએસ દ્વારા એએન્ડઇ ડિપાર્ટમેન્ટમાં કામ કરવા માટે જીપીને પ્રતિ દિવસના હજારો પાઉન્ડની ઓફર અપાઇ હતી. એનએચએસના મેનેજરો દ્વારા જીપીને પ્રતિ કલાકના 200 પાઉન્ડ સુધીની ઓફર અપાઇ હતી જે સામાન્ય દર કરતાં બમણાં છે. લંડનમાં કેટલીક હોસ્પિટલો દ્વારા જીપીને 12 કલાકની શિફ્ટ માટે 2400 પાઉન્ડ સુધીની ઓફર અપાઇ હતી.

આરોગ્ય મંત્રી વિલ ક્વિન્સે જનતાને એનએચએસની હોસ્પિટલોનો જવાબદારીપુર્વક ઉપયોગ કરવાની પણ અપીલ કરી હતી. એનએચએસની હોસ્પિટલોએ જીવનું જોખમ હોય તો જ ઇમર્જન્સી સેવાઓનો ઉપયોગ કરવા દર્દીઓને વિનંતી કરી હતી.

હેલ્થ સેક્રેટરી સ્ટીવ બાર્કલેએ બ્રિટિશ મેડિકલ એસોસિએશન પર આતંકવાદીઓ જેવું વલણ અપનાવવાનો આરોપ મૂક્યો હતો. જુનિયર ડોક્ટરો દ્વારા કરાઇ રહેલી પગારમાં 35 ટકાના વધારાની માગને પણ તેમણે અયોગ્ય ગણાવી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter