લંડનઃ જુનિયર ડોક્ટરોની હડતાળે એનએચએસની સ્થિતિ બદથી બદતર બનાવી દીધી છે. એનએચએસના એક ઉચ્ચ અધિકારીએ ચેતવણી આપી છે કે દર્દીઓને સુરક્ષિત સારવાર આપવામાં મારા ટ્રસ્ટની મર્યાદા આવી ગઇ છે. જો આરોગ્ય કર્મચારીઓ દ્વારા વધુ હડતાળો પડાશે તો એનએચએસમાં સારવાર માટેના વેઇટિંગ લિસ્ટમાં ઘટાડો કરવાના પ્રયાસો સ્થગિત થઇ જશે.
જુનિયર ડોક્ટરોના આગેવાનોએ જણાવ્યું છે કે તેઓ વધુ હડતાળો પાડવા માટે તૈયાર છે. જુનિયર ડોક્ટરોની ઐતિહાસિક લાંબી હડતાળના કારણે એનએચએસમાં સ્થિતિ ગંભીર બની રહી છે. લેસ્ટર એનએચએસ ટ્રસ્ટના ચીફ એક્ઝિક્યુટિવ રિચર્ડ મિચેલે જણાવ્યું હતું કે, ગયા વર્ષે મારા ટ્રસ્ટે વેઇટિંગ લિસ્ટ ઘટાડવામાં નોંધપાત્ર પ્રગતિ કરી હતી. પરંતુ હવે નવેસરથી હડતાળો શરૂ થતાં અમારા માટે વેઇટિંગ લિસ્ટ ઘટાડવું કપરું બની રહેશે. આ શિયાળામાં દર્દીઓને સારવાર આપવાની અમારી ક્ષમતાની મર્યાદા આવી ચૂકી છે. હું એનએચએસમાં છેલ્લા 22 વર્ષથી સેવા આપી રહ્યો છું પરંતુ છેલ્લો એક મહિનો મારી કારકિર્દીનો સૌથી કપરો મહિનો રહ્યો છે.
જુનિયર ડોક્ટરોની હડતાળ દરમિયાન ઇંગ્લેન્ડમાં સંખ્યાબંધ એનએચએસ ટ્રસ્ટે સ્થિતિ ગંભીર હોવાની જાહેરાત કરી હતી. કેટલાંક ટ્રસ્ટોએ દર્દીઓની સુરક્ષાનો હવાલો આપીને કર્મચારીઓને કામ પર પરત ફરવા પણ અપીલ કરી છે. મિચેલ કહે છે કે જુનિયર ડોક્ટરો દ્વારા સૌથી બદતર સમયમાં હડતાળ પાડવામાં આવી છે. જાન્યુઆરી વર્ષનો સૌથી વ્યસ્ત મહિનો રહે છે. ઇમર્જન્સી વિભાગોમાં દર્દીઓનો ધસારો વધુ હોય છે. ઘણા દર્દીઓને ઇમર્જન્સી સારવાર માટે કલાકો સુધી એમ્બ્યુલન્સમાં જ રાહ જોવી પડે છે તેના કારણે એમ્બ્યુલન્સ સેવાઓ પર પણ અસર પડે છે.


