જુનિયર ડોક્ટરોની હડતાળના કારણે 1,01,977 દર્દીઓની એપોઇન્ટમેન્ટ રદ

સીનિયરડોક્ટરોની હડતાળના કારણે સેંકડો મેજર ઓપરેશન અટવાયાં

Tuesday 25th July 2023 12:05 EDT
 
 

લંડનઃ આરોગ્ય સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર એનએચએસમાં વિવિધ પ્રકારની હડતાળના કારણે અંદાજિત 7,00,000 કરતાં વધુ એપોઇન્ટમેન્ટ રદ કરી દેવામાં આવી હતી. એનએચએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાંચ દિવસની જુનિયર ડોક્ટરની હડતાળના કારણે ગંભીર પ્રકારની સારવારના 1,01,977 દર્દીઓની એપોઇન્ટમેન્ટ રદ કરાઇ હતી. આમ છેલ્લા આઠ મહિનામાં એનએચએસમાં વિવિધ પ્રકારની હડતાળોને કારણે રદ થયેલી એપોઇન્ટમેન્ટની સંખ્યા 6,98,813 પર પહોંચી હતી. જુનિયર ડોક્ટરોની હડતાળ મંગળવારે પૂરી થઇ હતી અને ગુરુવારથી કન્સલ્ટન્ટ દ્વારા બે દિવસની હડતાળ પાડવામાં આવી હતી. જેના કારણે એનએચએસમાં આરોગ્ય સેવાઓને ગંભીર ફટકો પડ્યો હતો.

એનએચએસ ઇંગ્લેન્ડના નેશનલ મેડિકલ ડિરેક્ટર પ્રોફેસર સર સ્ટીફન પોવિસે જણાવ્યું હતું કે, આંકડા દર્શાવે છે કે એનએચએસમાં કર્મચારીઓની હડતાળોના કારણે દર્દીઓ અને તેમના પરિવારો પર કેટલી ગંભીર અસર પડી રહી છે. હડતાળના દિવસોમાં કોઇપણ પ્રકારની એપોઇન્ટમેન્ટ આપવાનું ટાળવામાં આવતાં સેવાઓ વધુ ખોરવાઇ રહી છે.

હડતાળોના કારણે છેલ્લા આઠ મહિનામાં એનએચએસને 7,50,000 જેટલી એપોઇન્ટમેન્ટ રિશિડ્યુલ કરવાની ફરજ પડી છે. ગુરુવારથી એનએચએસના સીનિયર ડોક્ટર બે દિવસની હડતાળ પર ગયાં હતાં જેના કારણે મોટી સંખ્યામાં મેજર ઓપરેશન રદ કરવાની ફરજ પડી હતી. છેલ્લા એક દાયકામાં સીનિયર ડોક્ટરોની આ પહેલી હડતાળ છે. આ હડતાળના કારણે પણ હજારો એપોઇન્ટમેન્ટ રદ કરાઇ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter