જુનિયર ડોક્ટર્સ નવા કોન્ટ્રાક્ટ વિવાદમાં હાઈ કોર્ટમાં નિષ્ફળ

Saturday 01st October 2016 06:52 EDT
 
 

લંડનઃ નવા વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટની કાયદેસરતાને પડકારતી જુનિયર ડોક્ટર્સની અરજી લંડનની રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસે ફગાવી દીધી છે. હેલ્થ સેક્રેટરી જેરેમી હન્ટને આવો કોન્ટ્રાક્ટ દાખલ કરવાની સત્તા ન હોવાની જુનિયર ડોક્ટર્સની રજૂઆત કોર્ટે સ્વીકારી ન હતી. આ નવો કોન્ટ્રાક્ટ ટુંક સમયમાં જ અમલી બનવાનો છે. હેલ્થ વિભાગે ચુકાદાને આવકાર્યો હતો.

બુધવાર, ૨૮ સપ્ટેમ્બરે પ્રસિદ્ધ જજમેન્ટમાં રોયલ કોર્ટ્સ ઓફ જસ્ટિસના મિ. જસ્ટિસ ગ્રીને હેલ્થ સેક્રેટરીનો નિર્ણય સત્તાબાહ્ય હોવાની પાંચ જુનિયર ડોક્ટરોની દલીલને ફગાવી દીધી હતી. ડોક્ટરોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે હેલ્થ સેક્રેટરીને જાતે કે અન્યો સાથે મળી જુનિયર ડોક્ટરોને નોકરીએ રાખવાની શરતો લાદવાની સત્તા નથી, તેઓ ભલામણ જ કરી શકે છે તેમજ તેમની કામગીરીમાં પારદર્શિતા કે તાર્કિકતા નથી.

જોકે, જસ્ટિસ ગ્રીને આ ત્રણે મુદ્દા ફગાવતા ચુકાદામાં જણાવ્યું હતું કે હેલ્થ સેક્રેટરી નવો કોન્ટ્રાક્ટ દાખલ કરવા એમ્પ્લોયર્સને પ્રોત્સાહિત કરતા હતા, તેમને કોઈ ફરજ પડાઈ નથી. જેરેમી હન્ટે પાર્લામેન્ટને ગેરમાર્ગે દારી હોવાની રજૂઆત પણ જસ્ટિસે ફગાવી હતી. જોકે, જુનિયર ડોક્ટરોએ આ ચુકાદાને પોતાનો વિજય ગણાવ્યો હતો કે આ કોન્ટ્રાક્ટ લદાશે નહિ અને નવા કોન્ટ્રાકટ પર સહી કરવા કાનૂની બંધન નથી.

વિવાદી કોન્ટ્રાક્ટને કાનૂની પડકાર આપનારા એક ડો. અમર મશરુએ જણાવ્યું હતું કે, ‘આના પરિણામે, એમ્પ્લોયીઝ અને એમ્પ્લોયર્સ રાષ્ટ્રીય સ્તરે વાટાઘાટો યોજી પેશન્ટ અને સ્ટાફના હિતમાં હોય તેવી શરતો નિશ્ચિત કરી શકશે. આગામી સપ્તાહથી નવો એગ્રીમેન્ટ લાગુ કરવાના બદલે ટ્રસ્ટો શરતો અને જોગવાઈઓની સમજૂતી ન થાય ત્યાં સુધી વર્તમાન કોન્ટ્રાક્ટ ચાલુ રાખે તેવી પણ શક્યતા છે.

ડિપાર્ટમેન્ટ હેલ્થે આ ચુકાદાના પગલે જણાવ્યું હતું કે તેઓ કેસના બચાવ માટે કરદાતાઓ દ્વારા ખર્ચાયેલ ૭૦,૦૦૦ પાઉન્ડ સુધીનો કાનૂની ખર્ચ મજરે માગશે અને NHSની ચેરિટીઓને ગ્રાન્ટમાં આપશે. જુનિયર ડોક્ટર્સ દ્વારા આ કેસ લડવા માટે ૧૦,૦૦૦ દાતાઓ પાસેથી ૩૦૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરાયું હતું. જાનુઆરી-મેના ગાળામાં જુનિયર ડોક્ટર્સે આઠ દિવસ હડતાળ પાડી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter