લંડનઃ ચાન્સેલર જોન હિલીએ ઈંધણના દર પરની ડ્યૂટી ફ્રીઝની મુદત લંબાવી છે. વર્ષ 2022માં લાગુ કરવામાં આવેલા પાંચ પેન્સના અસ્થાયી કાપને ઓછામાં ઓછા જુલાઈ સુધી યથાવત રાખતા તેમણે જણાવ્યું હતું કે, માર્ચ મહિનાથી સરકારને ચૂકવાતી રકમમાં પ્રતિ લિટર 5 પેન્સના જે વધારાની યોજના હતી તે હવે અમલમાં મૂકવામાં નહીં આવે, અને ડ્યુટીનો દર પ્રતિ લિટર 0.95 પેન્સ પર જ સ્થિર રાખવામાં આવશે. આ વધારો હવે જુલાઈ મહિનાથી લાગુ થશે. ઉલ્લેખનીય છે કે, ઈંધણ ડ્યૂટીમાંથી વાર્ષિક આશરે £૨૫ બિલિયન ($૩૩ બિલિયન)ની આવક થાય છે.
હિલી દ્વારા ઈંધણ ડ્યૂટીમાં વધારો હાલ પૂરતો અટકાવી દેવામાં આવ્યો છે પરંતુ મોટરિંગ સંસ્થાઓનું કહેવું છે કે વાહનચાલકોને મદદ કરવા માટે તેમણે વધુ નક્કર પગલાં ભરવાની જરૂર હતી.
હિલીએ એવી પણ જાહેરાત કરી હતી કે વ્યવસાયિક હેતુ માટે ડ્રાઇવિંગ કરતા લોકો માટે ટેક્સ-ફ્રી માઇલેજ દર કાયમી ધોરણે પ્રતિ માઇલ 55 પેન્સ નિશ્ચિત કરવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે જે ડ્રાઇવરો વ્યવસાયિક હેતુઓ માટે પોતાના વાહનોનો ઉપયોગ કરે છે તેઓ પ્રથમ 10,000 માઇલની મુસાફરી માટે પ્રતિ માઇલ 55 પેન્સનો દાવો કરી શકે છે. ચાન્સેલરે જણાવ્યું હતું કે, એપ્રિલ 2027થી, પ્રથમ 10,000 માઇલ પછીના તમામ માઇલ માટે આ દર 25 પેન્સથી વધારીને 35 પેન્સ કરાશે.


