લંડનઃ લંડનમાં કાર વોશ, નેઇલ બાર, સુપર માર્કેટ અને બિલ્ડિંગ સાઇટ્સ પર ગેરકાયદેસર કામ કરતાં સેંકડો લોકોની છેલ્લા કેટલાંક મહિનામાં ધરપકડ કરાઇ છે. હોમ ઓફિસની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા તાજેતરના મહિનાઓમાં 1000થી વધુ દરોડા પડાયા હતા.
સરકારે જણાવ્યું છે કે જુલાઇમાં સત્તામાં આવ્યા બાદ લંડનમાં એન્ફોર્સમેન્ટ એક્ટિવિટીમાં 11 ટકાનો વધારો થયો છે. બોર્ડર સિક્યુરિટી મિનિસ્ટર ડેમ એન્જેલા ઇગલે જણાવ્યું હતું કે અમે જાણીએ છીએકે યુકેમાં આવતા લોકો ગેરકાયદેસર રીતે નોકરી કરે છે જ્યાં તેમનું શોષણ કરવામાં આવે છે. ઇંગ્લિશચેનલ પાર કરવા માટે તેઓ પોતાના જીવનો પણ જોખમમાં મૂકે છે. આપણે આ નાની હોડીઓને અટકાવવી જ પડશે.
એન્ફોર્સમેન્ટ ટીમો દ્વારા જુલાઇથી નવેમ્બર વચ્ચે 996 દરોડા પડાયાં હતાં જેમાં 770 લોકોને ગેરકાયદેસર નોકરી કરતાં ઝડપી લેવાયાં હતાં. 462 બિઝનેસને સિવિલ પેનલ્ટી ફટકારવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એડી મોન્ટગોમરીએ જણાવ્યું હતું કે, અમે યુકેમાં ગેરકાયદેસર કામ કરી રહેલા લોકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ. અમે ક્રિમિનલ ગેંગો દ્વારા કરાતા શોષણને અટકાવવા 24 કલાક કામ કરી રહ્યાં છીએ.


