લંડનઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુલાઇના અંતિમ સપ્તાહમાં યુકેની મુલાકાત લે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર નરેન્દ્ર મોદીની યુકેની મુલાકાત દરમિયાન બહુપ્રતિક્ષિત યુકે-ભારત મુક્ત વેપાર કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થઇ શકે છે. જે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વની ક્ષણ બની રહેશે. બ્રિટનમાં સ્ટાર્મર સરકાર સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ પહેલી યુકે મુલાકાત હશે. યુકેની મુલાકાત બાદ વડાપ્રધાન મોદી માલદિવ્સની મુલાકાત લેશે. અહીં તેઓ માલદિવ્સના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. તાજેતરના મહિનાઓમાં ભારત અને માલદિવ્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવ્યા બાદ મોદીની આ મુલાકાત બંને દેશો માટે ઘણી મહત્વની બની રહેશે.