જુલાઈ ૧૯થી કયા નિયમોમાં બદલાવ?

Wednesday 07th July 2021 02:33 EDT
 
 

લંડનઃ આખરે વડા પ્રધાન બોરિસ જ્હોન્સને લોકડાઉન રોડમેપના ચોથા તબક્કામાં ૧૯ જુલાઈથી ઈંગ્લેન્ડમાં લોકડાઉન નિયંત્રણો ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. ફરજિયાત માસ્ક પહેરવાનું બંધ કરાશે તેમજ સામાજિક મેળમિલાપ પરના સંખ્યાકીય નિયંત્રણો અને સોશિયલ ડિસ્ટન્સિંગને પણ દૂર કરાયા છે. નાઈટ ક્લબો ખૂલી જશે. વેક્સિનેશનમાં મોટા પાયે વસ્તીને આવરી લેવા બે ડોઝ વચ્ચેના અંતરને ઘટાડવામાં આવ્યું છે.

• વેક્સિન રોલઆઉટઃ ૪૦ વર્ષથી નીચેની વ્યક્તિઓ માટે વેક્સિન ડોઝ લેવા માટેનું અંતર ૧૨ સપ્તાહથી ઘટાડીને આઠ સપ્તાહનું કરાયું છે. આના પરિણામે, સપ્ટેમ્બર મહિનાની મધ્ય સુધીમાં તમામ વયસ્કોને વેક્સિનનો બીજો ડોઝ આપી દેવાનો સરકારનો ઈરાદો છે.

• સામાજિક સંપર્કઃ સામાજિક સંપર્ક-હેળમેળ પર કોઈ જાતની મર્યાદા રહેશે નહિ. ઘરની અંદર માટે રુલ ઓફ સિક્સ તેમજ ઘરની બહાર ૩૦ વ્યક્તિની મર્યાદા સંબંધિત નિયમ પણ દૂર થઈ જશે.

• નાઈટ ક્લબ્સ/ સામૂહિક કાર્યક્રમો-ઈવેન્ટ્સઃ નાઈટ ક્લબ્સ ખોલી શકાશે અને લગ્નો અને સ્પોર્ટ્સ સહિતના સામૂહિક ઈવેન્ટ્સ પર સંખ્યા કે હાજરીની મર્યાદા પણ દૂર કરી દેવાશે.

• સોશિયલ ડિસ્ટન્સિંગઃ બે વ્યક્તિ વચ્ચે એક મીટરનું અંતર જાળવવાનો નિયમ પણ દૂર કરાશે. જોકે,  વાઈરસ વેરિએન્ટ્સ સાથે દેશમાં લોકો પ્રવેશી શકે તેની ચિંતા મધ્યે એરપોર્ટ્સ સહિતની બોર્ડર્સ પર એક મીટરના અંતરનો નિયમ યથાવત રખાશે.

• ફેસ માસ્ક્સઃ શોપ્સ અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરજિયાત ફેસ માસ્ક પહેરવાના બદલે ‘વ્યક્તિગત જવાબદારી’નું ધોરણ અપનાવાશે. દરેક ફર્મ અને કંપની, અથવા હોસ્પિટાલિટી બિઝનેસ અથવા ટ્રાવેલ ફર્મ ફેસ માસ્ક મુદ્દે આગવા નિયમો ઘડી શકશે. ઈઝીજેટ અને રાયનએર દ્વારા સ્પષ્ટતા કરી છે કે તેમના પેસેન્જરોએ ચહેરાને ઢાંકવાનું ચાલુ રાખવું પડશે. બીજી તરફ, વેસ્ટ મિડલેન્ડ્સ રેલવેએ તેમની ટ્રેન્સમાં ફેસ માસ્ક પહેરવાનું મરજિયાત બનાવ્યું છે.

• વર્ક ફ્રોમ હોમઃ ઘેરથી જ કામ કરવાની માર્ગદર્શિકાનો અંત લાવી દેવાયો છે પરંતુ, તેનો આધાર કે પાલન એમ્પ્લોયર પર છોડી દેવાયું છે. કામ પર પરત ફરવાની કોઈ સલાહ આપવામાં આવી નથી.

• હોસ્પિટાલિટીઃ ટેબલ સર્વિસ તેમજ ફરજિયાત ટેબલ પર બેસીને જ ભોજન અને ડ્રિન્ક લેવાના નિયમોનો પણ અંત આવ્યો છે. તમે જ્યારે આવો ત્યારે QR કોડ્સનો ઉપયોગ કરવાની બાબત હવે ભૂતકાળ બની જશે.

• કેર હોમ્સઃ દરેક નિવાસી માટે પાંચ મુલાકાતી વ્યક્તિના નામોલ્લેખ સાથેની મર્યાદા હટાવી લેવાઈ છે. જોકે, સંક્રમણ પર અંકુશ રાખવાના પગલાં તરીકે ફેસ માસ્કનો ઉપયોગ ચાલુ રહેશે.

• કોવિડ પાસપોર્ટ્સઃ ડોમેસ્ટિક કોવિડ વેક્સિન પાસપોર્ટને શરુ કરવાનું કોઈ આયોજન નથી.

• NHS ટેસ્ટ અને ટ્રેસિંગઃ તમારા ઘેરથી જ ઓર્ડર કરી શકો તેવા લેટરલ ફ્લો ટેસ્ટ્સ સહિત લક્ષણો વિનાના (asymptomatic) ફ્રી ટેસ્ટિંગને હાલ પૂરતું ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવેલ છે.

• કોન્ટેક્ટ ટ્રેસિંગ યથાવતઃ જો તમારો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે અથવા ટેસ્ટ એન્ડ ટ્રેસ પ્રક્રિયા હેઠળ તમને જણાવાય ત્યારે સેલ્ફ-આઈસોલેશનની કાનૂની જવાબદારી યથાવત રાખવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter