લંડનઃ વિકિલીક્સના ૪૭ વર્ષીય સહ-સ્થાપક જુલિયન અસાંજેને કોમ્પ્યુટર હેકિંગના આરોપોનો સામનો કરવા અમેરિકા પરત મોકલવાની ટ્રાયલ ફેબ્રુઆરી ૨૦૨૦માં ચલાવાશે. વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ૧૪ જૂને સુનાવણી દરમિયાન ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટે પ્રત્યાર્પણ માટે સંપૂર્ણ સુનાવણી આગામી વર્ષની ૨૫ ફેબ્રુઆરીથી ચલાવવા ચુકાદો આપ્યો હતો. અગાઉ, યુએસની વિનંતીના પગલે બ્રિટિશ હોમ સેક્રેટરી સાજિદ જાવિદે ૧૩ જૂન, ગુરુવારે પ્રત્યાર્પણ દેશ પર સહી કરી હતી.
પાકિસ્તાની મૂળના વરિષ્ઠ રાજકારણીએ કહ્યું હતું કે હવે નિર્ણય બ્રિટિશ અદાલતોએ લેવાનો છે કે અસાંજેને અમેરિકા પરત મોકલવા માટે આ કેસની તમામ શરતો પુરી કરાય છે કે કેમ? તેમણે કહ્યું હતું કે, ‘અંતિમ નિર્ણય કોર્ટે લેવાનો હોય છે પરંતુ, હોમ સેક્રેટરીની પણ મોટી ભૂમિકા હોય છે. મારે તો એ જોવું છે કે દરેક સમયે લોકોને ન્યાય મળે અને અમને તો અસાંજેને પરત મોકલવાની કાયદેસરની વિનંતી મળી હતી, એટલા માટે મેં સહી કરી હતી.’
અસાન્જે હાઈ સિક્યુરિટી બેલમાર્શ જેલમાંથી વિડિયોલિન્ક દ્વારા કોર્ટ સમક્ષ ઉપસ્થિત થયો હતો. તેણે ગુપ્ત દસ્તાવેજોના હેકિંગના અમેરિકી આરોપો ફગાવતા કહ્યું હતું કે વિકિલીક્સ માત્ર પબ્લિશર છે. અસાન્જેના બેરિસ્ટર માર્ક સમર્સે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે તેમનો અસીલ યુકેમાં જામીન શરતોના ભંગ બદલ ૫૦ સપ્તાહની જેલના આદેશને પણ પડકારશે. ઉલ્લેખનીય છે કે ભારતના ભાગેડુ લિકર કિંગ અને બેન્કલોન્સ પરત નહિ કરનારા વિજય માલ્યા અને હીરાના વેપારી નિરવ મોદીને પરત મોકલવાની વિનંતીના કેસ પણ ચીફ મેજિસ્ટ્રેટ એમ્મા આર્બુથ્નોટની કોર્ટમાં ચાલે છે.


