લંડનઃ બ્રિટિશ કોર્ટે વિકિલિક્સના સંસ્થાપક જુલિયન અસાન્જેનું અમેરિકાને પ્રત્યર્પણ કરવાનો આદેશ 20 એપ્રિલ બુધવારે આપ્યો છે. કોર્ટે અસાન્જેને ઇરાક અને અફઘાનિસ્તાન યુદ્ધ સાથે સંકળાયેલી કેટલીક ગુપ્ત ફાઇલ્સ પ્રસિદ્ધ કરવાની બાબતે દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે ઔપચારિક ચુકાદામાં જણાવ્યું હતું કે અસાન્જેનું અમેરિકાને પ્રત્યર્પણ કરી દેવામાં આવે જ્યાં તેમણે 175 વર્ષની જેલની સજા ભોગવવાની રહેશે.
કોર્ટનો આ આદેશ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ પાસે જશે. હોમ સેક્રેટરી સમક્ષ રજૂઆત કરવા અસાન્જેના વકીલ પાસે ચાર સપ્તાહનો એટલે કે 18 મે સુધીનો સમય છે. જો હોમ સેક્રેટરી અસાન્જેને અમેરિકાને સુપરત કરવાની મંજૂરી આપશે તો તેમના નિર્ણયને પડકારવા હાઇ કોર્ટમાં અપીલ પણ કરી શકાશે. અમેરિકા અસાન્જે પર અફઘાનિસ્તાન અને ઇરાકમાં ચાલેલા સૈન્ય અભિયાન સાથે સંકળાયેલી 500,000 સિક્રેટ ફાઇલ્સ પ્રસિદ્ધ કરવા બદલ કેસ ચલાવવા માગે છે.
સેન્ટ્રલ લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટના ચુકાદા સાથે યુકેની કોર્ટ્સમાં ચાલી રહેલી લાંબી કાનૂની કાર્યવાહીનો લગભગ અંત આવ્યો છે. ગયા મહિને અસાન્જેને અમેરિકા પ્રત્યર્પણ કરવા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં અપીલની પરમિશન અપાઈ ન હતી. અસાન્જે 2019થી બ્રિટનમાં લંડનની હાઈ સિક્યુરિટી બેલમાર્શ પ્રિઝનમાં કેદ છે. તેણે ગયા મહિને જ પોતાની પાર્ટનર સ્ટેલા મોરિસ સાથે જેલમાં લગ્ન કર્યા હતા.


