લંડનઃ બ્રિટનમાં જૂન 2023માં પૂરા થયેલા એક વર્ષમાં નેટ માઇગ્રેશનનો આંકડો અંદાજ કરતાં ઘણો મોટો રહ્યો હતો. ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર જૂન 2023માં પૂરા થયેલા એક વર્ષમાં નેટ માઇગ્રેશન 9,06,000 રહ્યું હતું. આ પહેલાં અંદાજ આપવામાં આવ્યો હતો કે તે સમયગાળામાં 7,40,000 માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યા હતા. ઓએનએસ દ્વારા આ આંકડાને વર્ષ 2021 પછીનો સૌથી ઊંચો આંકડો ગણાવવામાં આવ્યો હતો.
જોકે વર્ષ 2024ના પ્રારંભથી તત્કાલિન સુનાક સરકાર દ્વારા વિઝા નિયમો આકરા બનાવાતા આ વર્ષે નેટ માઇગ્રેશનમાં ઘટાડો તો થયો છે પરંતુ આંકડો ઘણો ઊંચો છે. જૂન 2024માં પૂરા થયેલા છેલ્લા એક વર્ષમાં 7,28,000 માઇગ્રન્ટ્સ યુકેમાં આવ્યા હતા. ઓએનએસએ જણાવ્યું હતું કે અગાઉની કન્ઝર્વેટિવ સરકાર દ્વારા વિદેશી વિદ્યાર્થી અને હેલ્થ-કેર વર્કરોના આશ્રિતોને યુકેમાં લાવવા પર મૂકાયેલા નિયંત્રણોના કારણે નેટ માઇગ્રેશનમાં ઘટાડો જોવા મળ્યો છે.
નેટ માઇગ્રેશન રેકોર્ડ સ્તર પર પહોંચી ગયાના નવા આંકડા જાહેર થયા બાદ વડાપ્રધાન કેર સ્ટાર્મરે ઇમિગ્રેશન નિયમો આકરા બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, 2023માં નેટ માઇગ્રેશન એક મિલિયનની નજીક પહોંચી ગયું હોવાના આંકડાથી આપણને આઘાત લાગવો જોઇએ. વડાપ્રધાને 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરી રેકોર્ડ સ્તર પર પહોંચેલા ઇમિગ્રેશનને વખોડી કાઢી નવા પગલાં લેવાનું વચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં અમે ઇમિગ્રેશનને ઘટાડવા ઇચ્છીએ છીએ. જો કે તેમણે ઇમિગ્રેશન પર મર્યાદા જાહેર કરવાની કન્ઝર્વેટિવ પાર્ટીની માગ ફગાવી દેતાં જણાવ્યું હતું કે, તેનાથી ઇમિગ્રેશન ઘટાડવામાં કોઇ અર્થપૂર્ણ અસર નહીં વર્તાય.
નેટ માઇગ્રેશન એક નજરે
9,06,000 માઇગ્રન્ટ્સ જૂન 2023 સુધીના એક વર્ષમાં યુકે આવ્યા
7,28,000 માઇગ્રન્ટ્સ જૂન 2024 સુધીના એક વર્ષમાં યુકે આવ્યા
6,000 રાજ્યાશ્રયવાંચ્છુ માઇગ્રન્ટ્ની સંખ્યામાં જુલાઇ 2024 પછી વધારો
5.4 બિલિયન પાઉન્ડનો અસાયલમ સિસ્ટમના ખર્ચમાં વધારો
પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ લવાશેઃ સ્ટાર્મર
વડાપ્રધાન સ્ટાર્મરે જણાવ્યું હતું કે, બ્રિટનમાં આવતા માઇગ્રન્ટ્સની સંખ્યા ઘટાડવા માટે સરકાર પોઇન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ લાગુ કરશે. સરકાર બ્રિટિશ કામદારોને તાલીમ અપવાની જવાબદારી બિઝનેસોના માથે નાખશે. અત્યારે દેશમાં ઘણા સેક્ટર ઇમિગ્રન્ટ કામદારો પર આધાર રાખી રહ્યાં છે. અમે પોઇન્ટ આધારિત સિસ્ટમનો સુધારો લાવીશું અને સ્કીલ્ડ વર્કર રૂટ અથવા તો શોર્ટેડ ઓક્યુપેશન લિસ્ટ જેવા વિઝા રૂટમાં સુધારા કરીશું. જો બિઝનેસો સરકારની વાત નહીં માને તો અમે વિદેશી કામદારો રાખવા પર પ્રતિબંધ લાદી દઇશું.
માઇગ્રેશન પર આકરું વલણ અખત્યાર કરવા બેડનોકનો નિર્ણય
કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા કેમી બેડનોકે જણાવ્યું હતું કે, મારી પાર્ટીએ ઇમિગ્રેશન પર ખોટી નીતિઓ અપનાવી હતી તેના કારણે જાહેર સેવાઓ પર દબાણ સર્જાયું હતું. કન્ઝર્વેટિવ પાર્ટીની નવી ઇમિગ્રેશન નીતિ જાહેર કરતાં બેડનોકે જણાવ્યું હતું કે, મારી પાર્ટી માઇગ્રેશનની સંખ્યા પર આકરી મર્યાદા લાદવા પ્રતિબદ્ધ છે.
માઇગ્રેશનના નવા આંકડા જારી થાય તે પહેલાં બેડનોકે જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટી વતી અને તેના નેતા તરીકે મારે સ્વીકારવું જોઇએ કે પાર્ટીની ઇમિગ્રેશન નીતિઓ ખોટી હતી. જોકે આગામી ચૂંટણીમાં તેમની પાર્ટી સત્તામાં આવે તો તેઓ કેટલા ઇમિગ્રન્ટ્સને યુકે આવવાની પરવાનગી આપશે તે અંગેનો ચોક્કસ આંકડો બેડનોકે આપ્યો નહોતો.
બેડનોકે દરેક નીતિ, સંધિ અને યુરોપિયન કન્વેન્શન ઓન હ્યુમન રાઇટ્સની ભુમિકાની પુનઃસમીક્ષા કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. જેમાં માઇગ્રન્ટ્સને અપાતા બેનિફિટ્સ અંગે પણ સમીક્ષા કરાશે. વિઝા પર આવેલા અથવા તો રાજ્યાશ્રય માગનારા માઇગ્રન્ટ્સ યુકેમાં બેનિફિટ્સ માટે દાવો કરી શક્તાં નથી. પરંતુ ચોક્કસ સંજોગોમાં તેઓ સરકારી સહાયની માગ કરી શકે છે.


