લંડનઃ યુકેના નાગરિકો ટૂંકસમયમાં તેમના ફોનમાં રહેલા ડિજિટલ વોલેટમાં પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, યુનિવર્સિલ ક્રેડિટ એકાઉન્ટ, લગ્ન અને જન્મના પ્રમાણપત્ર રાખી શકશે. સાયન્સ એન્ડ ટેકનોલોજીના સેક્રેટરી ઓફ સ્ટેટ પીટર કાયલેએ આ અંગેની યોજના જાહેર કરી હતી. સ્માર્ટ ફોનમાં એપ દ્વારા સરકારી સેવાઓ માટેની પ્રક્રિયા સરળ બનશે.
તેમણે જણાવ્યું હતું કે, સરકાર તરફથી મળતા લેટર્સ અને બેઝિક એપોઇન્ટમેન્ટ માટે વેડફાતા કલાકો હવે ભૂતકાળ બની જશે. ડિજિટલ વોલેટનો પ્રારંભ જૂન 2025થી કરાશે. સરકાર સ્ટુડન્ટ લોન, વ્હિકલ ટેક્સ, બેનિફિટ્સ, ચાઇલ્ડ કેર અને લોકલ કાઉન્સિલો સાથે સંબંધિત એકાઉન્ટ્સ માટે પણ ડિજિટલ સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે.
કાયલેએ જણાવ્યું હતું કે, અમે ડિજિટલ પાસપોર્ટ માટે હોમ ઓફિસ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. અમે આંતરરાષ્ટ્રીય ધોરણો પર પણ ધ્યાન આપી રહ્યાં છીએ. આ યોજના દ્વારા સરકારને પણ ઘણા લાભ થશે.ડિજિટલ વોલેટ એપલ અને ગૂગલ ડિવાઇસ પરના વોલેટ જેવું જ રહેશે. જેને વ્યક્તિના ઓળખપત્ર સાથે સાંકળી લેવાશે.
બેનિફિટ્સમાં ફ્રોડ કરનારના ડ્રાઇવિંગ લાયસન્સ છીનવાશે
બેનિફિટ્સમાં છેતરપિંડી માટે દોષી ઠરેલાના ડ્રાઇવિંગ લાયસન્સ છીનવી લેવાની યોજના સરકાર દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે. સિસ્ટમ સાથે વારંવાર છેતરપિંડી કરનારા અને જેમના માટે કરદાતાઓના 1000 પાઉન્ડથી વધુ રકમ લેણી નીકળે છે તેવા લોકોના ડ્રાઇવિંગ લાયસન્સ બે વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાય તેવી સંભાવના છે.
વર્ક એન્ડ પેન્શન મિનિસ્ટર એલિસન મેકગવર્ને જણાવ્યું હતું કે, અત્યંત ગંભીર ફ્રોડ માટે અપરાધીને જેલની સજા પણ થઇ શકે છે. આ પગલાંથી રિપેમેન્ટને વેગ મળી શકશે. તપાસમાં મદદ મળી શકે તે માટે બેન્કો પાસેથી ફ્રોડ કરનારના ખાતાની માહિતી મેળવવામાં આવશે. અગાઉની કન્ઝર્વેટિવ સરકારે પણ આ પ્રકારની યોજનાની જાહેરાત કરી હતી.


