લંડનઃ બ્રિટનમાં નેશનલ લોટરીના અડધા હિસ્સા ૩૩ મિલિયન પાઉન્ડ (ભારતીય ચલણમાં આશરે રૂ. ૩૨૨ કરોડ)ના વિવાદમાં શંકાસ્પદ દાવેદાર સુઝાન હાઇન્ટને લોટરી ભલે ન લાગી હોય પરંતુ લોટરી જ્યાંથી લેવાનું હોવાનું કહેવાય છે તે ગુજરાતી નટુભાઈ પટેલની લોટરી લાગી ગઈ છે. કારણ કે આ વિવાદમાં તેમને ભારે પબ્લિસિટી મળી છે. સુઝાન હાઇન્ટને લોટરી નહીં લાગી હોવાનું કેમલોટ દ્વારા જાહેર કરાયું છે. ૪૦૦ જેટલાં દાવેદારોમાંથી એક અનામી દાવેદાર આગળ આવ્યો હોવાનું કેમલોટ દ્વારા જણાવાયું છે. વિજેતા ટિકિટધારકે દાવો રજૂ કરી દીધો છે.
જોકે મૂળ ગુજરાતી અને વોરસેસ્ટરના નટુભાઈ પટેલ એમ્બલસાઇડ ન્યૂઝ નામની દુકાન ચલાવે છે અને જેકપોટ ટિકિટ અહીંયાથી ખરીદાઈ હોવાનું નેશનલ લોટરી દ્વારા તેમને જણાવાયું હતું. જેકપોટના એક ભાગના વિજેતા સ્કોટલેન્ડનું કપલ ડેવિડ અને કેરોલ માર્ટીન છે. જ્યારે બીજા હિસ્સા માટે ધોવાઈ ગયેલી ટિકિટ રજૂ કરીને સુઝાન હાઈન્ટે વિવાદ જગાવ્યો હતો. નટુભાઈ પટેલે જણાવ્યું હતું કે જો તેમની દુકાનમાંથી ટિકિટ લેવાઈ હોય તો ઘણું જ અદ્ભૂત કહેવાય જોકે લોટરી મશીનમાં ટિકિટ સ્કેન થયાં અંગેની માહિતી તેમની પાસે ન હતી.
સુઝાને એવો દાવો કર્યો હતો કે નટુભાઈની પત્નીએ તેને આ ટિકિટ વેચી હતી. પરંતુ તે સમયે મિસિસ પટેલ ભારતમાં હોવાનું કહેવાય છે. આમ પણ તેનો દાવો ખોટો પડ્યો હતો.


