જેગુઆર લેન્ડ રોવર 4,000 કર્મચારીઓને વીઆરએસ આપશે

સમસ્યાઓને પહોંચી વળવા 1.7 બિલિયન પાઉન્ડની બચત કરવાની યોજના

Tuesday 08th September 2026 10:10 EDT
 
 

લંડનઃ ટાટા મોટર્સની માલિકીની જેગુઆર લેન્ડ રોવરે સ્વેચ્છિક નિવૃત્તિ યોજના શરૂ કરી છે, જે અંતર્ગત  આગામી બે વર્ષમાં આશરે 4,000 નોકરીઓમાં કાપ મુકાય તેવી શક્યતા છે. સાયબર હુમલાના એક વર્ષ બાદ કંપની ઘટી રહેલું વેચાણ, વધતો ખર્ચ અને યુએસ ટેરિફની અસરનો સામનો કરી રહી છે, જેને પહોંચી વળવા તે 1.7 બિલિયન પાઉન્ડની બચત કરવાનો અને તેનો બ્રેક-ઇવન પોઇન્ટ ઘટાડીને 3,00,000 વાહનો કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.

કંપનીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, વૈશ્વિક બજારની બદલાતી પરિસ્થિતિઓને અનુકૂળ થવા માટે અમારે અમારી સંસ્થાકીય રચનાને વધુ સરળ બનાવી કાર્યક્ષમતામાં સુધારો કરવો પડશે અને સ્થિરતા લાવવી પડશે. કંપનીએ કર્મચારીઓ અને ટ્રેડ યુનિયન ભાગીદારોને આ યોજના અંગે માહિતગાર કર્યા છે, જેમાં મુખ્યત્વે પગારદાર અને સંચાલકીય સ્તરના કર્મચારીઓને રાજીનામું આપવાનો વિકલ્પ મળશે.

આ નિર્ણય સામે ટ્રેડ યુનિયન યુનાઇટે તીવ્ર પ્રતિક્રિયા આપતા સ્પષ્ટ કર્યું છે કે, ઉદ્યોગમાં નીતિગત ખામીઓ કે રોકાણની અછતનો બોજ કર્મચારીઓ પર ન નાખી શકાય. આ મામલે સરકાર સાથે પણ ઉચ્ચ સ્તરીય ચર્ચા ચાલી રહી છે. સરકારે અસરગ્રસ્ત કર્મચારીઓ અને પરિવાર પ્રત્યે ચિંતા વ્યક્ત કરી ઉદ્યોગને શક્ય તમામ સહાય આપવાની ખાતરી આપી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter