લંડનઃ 31 ઓગસ્ટના રોજ કરાયેલા સાયબર હુમલાના કારણે બ્રિટનની અગ્રણી કાર ઉત્પાદક ટાટા ગ્રુપની જેગુઆર લેન્ડ રોવર કંપનીની 800 કોમ્પ્યુટર સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી જેના પગલે 2 લાખથી વધુ કર્મચારી ધરાવતી કંપનીની ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઇ જતાં યુકે, બ્રાઝિલ, ભારત અને સ્લોવેકિયા સ્થિત કંપનીના પ્લાન્ટમાં ઓપરેશનો સ્થગિત થઇ ગયાં હતાં.
જે વ્યાપક સ્તર પર સાયબર હુમલો કરાયો તે જોતાં તપાસકર્તાઓ માની રહ્યાં છે કે કોઇ દેશની સરકાર સમર્થિત હેકરોનું આ કામ છે. આ હુમલામાં રશિયાની સંડોવણી અંગે પણ નેશનલ સાયબર સિક્યુરિટી સેન્ટર અને નેશનલ ક્રાઇમ એજન્સી તપાસ કરી રહ્યાં છે. ગયા મહિનામાં ચાન્સેલર રેચલ રીવ્ઝે પણ આરોપ મૂક્યો હતો કે આ વર્ષે યુકેમાં થયેલા કેટલાક સાયબર હુમલામાં રશિયાની સંડોવણી હતી.