લંડનઃ બ્રિટનની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની જેગુઆર લેન્ડ રોવરને સરકાર તરફથી મળનારી સહાય સ્થગિત થઇ જતાં કંપની તેના સપ્લાયરોને સેંકડો મિલિયન પાઉન્ડનું ધિરાણ આપવાની યોજનાને અંતિમ સ્વરૂપ આપી રહી છે. કંપની સપ્તાહાંતમાં ખોરવાઇ ગયેલી સપ્લાય ચેઇનને દુરસ્ત કરવા માટે સપ્લાયરોને 500 મિલિયન પાઉન્ડ સુધીની મદદ કરે તેવી સંભાવના છે. સરકાર કંપનીને 1.5 બિલિયન પાઉન્ડની સહાય આપશે પરંતુ કંપની તે ઉપરાંત આ નાણા ફાળવવાની યોજના બનાવી રહી છે.
ટાટા ગ્રુપની માલિકીની જેગુઆર લેન્ડ રોવર બ્રિટનમાં 34000 લોકોને રોજગાર આપે છે અને તેની સપ્લાય ચેઇન દ્વારા 1,20,000 લોકોને રોજગાર મળે છે. સપ્ટેમ્બરમાં હેકર્સ દ્વારા કંપનીની આઇટી સિસ્ટમમાં સેંધમારી થતાં સપ્લાય ચેઇન ખોરવાઇ ગઇ હતી. ત્યારથી કંપનીમાં ઉત્પાદન પ્રક્રિયા અટકી ગઇ હતી જે આ સપ્તાહમાં શરૂ થઇ શકે છે.

