લંડનઃ જેફરીને શ્રદ્ધાંજલિ આપતાં નયનેશ દેસાઇએ જણાવ્યું હતું કે, જેફરી માત્ર એક ફળદ્રુપ લેખક અને મનોરંજક જ નહોતા, પરંતુ તેઓ દાન-પુણ્યના કાર્યોમાં મોટું યોગદાન આપનારા એક અસાધારણ દાતા હતા. તેઓ ક્રિકેટ અને ક્રિકેટરોના ઉત્સાહી તથા પ્રભાવશાળી સમર્થક હતા, પરંતુ આ બધાથી પણ ઉપર, તેઓ મારા માટે એક વફાદાર, ઉદાર અને અત્યંત મૂલ્યવાન મિત્ર હતા.
વિશ્વની અનેક મહાન અને પ્રખ્યાત હસ્તીઓને ઓળખતા હોવા છતાં જેફરીએ હંમેશાં તેમના જીવનમાં મારા માટે સ્થાન બનાવ્યું હતું. તેમણે મને તેમના અનેક ઉત્સવોમાં સામેલ કર્યો હતો. હજુ થોડા મહિનાઓ પહેલાં જ તેમણે મને તેમના લગ્નની 60મી વર્ષગાંઠની ઉજવણીમાં આમંત્રણ આપ્યું હતું, આ એક એવો ખાસ પ્રસંગ હતો જેને હું આજીવન યાદ રાખીશ.
માત્ર બે સપ્તાહ પહેલાં જ, તેમણે મારા કહેવાથી એક ચૅરિટી ડીનરનું આયોજન કરીને 3,000,000 પાઉન્ડની અકલ્પનીય રકમ એકઠી કરી આપી હતી. આ ઉમદા કાર્ય જેફરીના વ્યક્તિત્વનું પ્રતિબિંબ હતું. તેઓ ઉદાર, પ્રતિબદ્ધ અને કોઈ ઉદ્દેશ્ય કે મિત્રને મદદ કરવા માટે હંમેશાં એક કદમ આગળ વધવા તત્પર રહેતા હતા. હું જેફરીની ખોટ ખૂબ જ તીવ્રતાથી અનુભવીશ.

