લંડનઃ લેબર પાર્ટીના ઈતિહાસમાં તીવ્ર ડાબેરી વિચારધારા ધરાવતા ૬૬ વર્ષીય જેરેમી કોર્બીન ઐતિહાસિક વિજય સાથે લેબર પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેમણે પાર્ટીના મોટા નેતા ગણાતા ઈવેટ કૂપર, એન્ડી બર્નહામ અને લિઝ કેન્ડલને પરાજય આપ્યો હતો. જોકે, નવા નેતા માટે સીનિયર નેતાઓનો સાથ મેળવવો કપરો બની રહેશે. આ વિજય સાથે પક્ષમાં મોટી તિરાડ પડી છે. કોર્બીન તેમના કરકસરવિરોધી ડાબેરી પ્રોગ્રામ માટે જાણીતા છે. નેતાપદે તરીકે ચૂંટાઈ આવ્યા પછી તરત જ જેરેમી કોર્બીને શેડો કેબિનેટની જાહેરાત કરી હતી. આ કેબિનેટમાં ૧૬ સ્ત્રી અને ૧૫ પુરુષ નેતાને સ્થાન મળવા સાથે સૌપ્રથમ વખત સ્ત્રીઓની બહુમતી સર્જાઈ છે. ભારતીય મૂળના યુવાન પંજાબી સીમા મલ્હોત્રા અને વિગન લિઝા નંદીને પણ સ્થાન અપાયું છે. પક્ષના નવા ડેપ્યુટી લીડર તરીકે ટોમ વોટસન ચૂંટાઈ આવ્યા હતા. કોર્બીનના વિજયથી યુનિયન અગ્રણીઓમાં ખુશી વ્યાપી ગઈ હતી. ડાબેરી કોર્બીન કદાચ ભાવિ ‘પ્રાઈમ મિનિસ્ટર ઈન વેઈટિંગ’ બની રહેશે. તેમની ભૂમિકા લેબર પાર્ટીની બિસમાર હાલતમાં પ્રાણ પૂરી શકશે કે કેમ તે જોવાનું રહેશે.
૫૯.૫ ટકા મત સાથે ઐતિહાસિક વિજય
કોર્બીને વિજય પછી જણાવ્યું હતું કે પક્ષના તમામ વરિષ્ઠ નેતાઓ તેમની સાથે મળીને કાર્ય કરે તે જ લેબર પાર્ટીના મતદારો ઈચ્છશે. ઐતિહાસિક વિજયમાં કોર્બીને ૫૯.૫ ટકા મત મેળવ્યા હતા જ્યારે, બર્નહામને ૧૯ ટકા, ઈવેટ કૂપરને ૧૭ ટકા અને લિઝ કેન્ડલને ૪.૫ ટકા મત મળ્યાં હતાં. કોર્બીનના સહાયકોએ જણાવ્યું હતું કે ૧૯૯૪માં ટોની બ્લેરને મળેલા મેન્ડેટ કરતા પણ આ મોટી સફળતા છે. પક્ષમાં એક સમયે આઉટસાઈડર ગણાતા કોર્બીને નેતાપદની ચૂંટણીમાં બીજા ક્રમે રહેલા એન્ડી બર્નહામ કરતા ત્રણ ગણા મત મેળવ્યા હતા. વિજયી બનેલા કોર્બીનની નેતાગીરી સમક્ષ આગામી મે મહિનામાં સ્થાનિક ચૂંટણીઓ, લંડનના મેયરની ચૂંટણી તેમ જ સ્કોટિશ પાર્લામેન્ટ માટે મત સહિતના મોટા પડકારો છે. ડાબેરી વિચારસરણીના કારણે તેઓ કેટલાય હોદ્દાઓથી વંચિત રહ્યા છે. તેઓ ૧૯૮૩માં પ્રથમ વખત સંસદમાં ચૂંટાયા હતા. તેમણે ૧૯૯૭થી પક્ષ સામે ૫૩૩ વખત બળવો પોકાર્યો છે.
વરિષ્ઠ નેતાઓએ રાજીનામાં આપી દીધાં
જોકે, કોર્બીનના વિજયની સાથે જ શેડો ચાન્સેલર ક્રિસ લેસ્લી, શેડો એજ્યુકેશન સેક્રેટરી ટ્રિસ્ટ્રામ હન્ટ, શેડો કોમ્યુનિટીઝ સેક્રેટરી એમા રેનોલ્ડ્ઝ તેમ જ શેડો વર્ક્સ એન્ડ પેન્શન્સ સેક્રેટરી રેચલ રીવ્ઝ સહિત વરિષ્ઠ નેતાઓએ રાજીનામાં આપી દીધાં હતાં. કૂપરે તો અગાઉથી જ કોર્બીન હેઠળ કામ કરવા સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. શેડો બિઝનેસ સેક્રેટરી ચુકા ઉમન્નાએ પણ હોદ્દાથી અળગા રહેવાની જાહેરાત કરી હતી. સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીના કરુણ પરાજયના પગલે તત્કાલીન નેતા એડ મિલિબેન્ડે રાજીનામું આપી દેતા નેતાપદની ચૂંટણી યોજાઈ હતી. મિલિબેન્ડે પક્ષમાં સંપની હાકલ કરવા સાથે તેઓ શેડો કેબિનેટમાં નહિ રહે તેવી સ્પષ્ટતા કરી હતી.
સૌથી મોટા દાતા જ્હોન મિલ્સ પક્ષને દાન નહિ આપે
લેબર પાર્ટીના નેતાપદે કોર્બીન આવતાની સાથે જ પક્ષને ભારે આર્થિક ફટકો પડ્યો છે. પક્ષના સૌથી મોટા વ્યક્તિગત દાતા અને મિલિયોનેર જ્હોન મિલ્સે હવેથી પક્ષને દાનમાં ભંડોળ નહિ આપવાની જોહેરાત કરી છે. તેમણે પક્ષના જ સાંસદો ચુકા ઉમન્ના અને ટ્રિસ્ટ્રામ હન્ટ દ્વારા સ્થાપિત ‘ધ રેઝિસ્ટન્સ’ ગ્રૂપને નાણાકીય સહાય આપવાની તૈયારી દર્શાવી છે. મિલ્સે એડ મિલિબેન્ડના સમયમાં લેબર પાર્ટીને £૧.૬૫ મિલિયન આપ્યા હતા. લેબર પાર્ટીમાં ઊંડી તિરાડનો આ મોટો સંકેત છે. પાર્ટીના કેટલાક સાંસદો બીજી સ્પર્ધા યોજવા માટે સહીઝુંબેશમાં આગળ વધી રહ્યા છે.
લેબર પાર્ટી સાથે જોડાયેલાં માતાપિતાની અસર
વિલ્ટશાયરમાં જન્મેલા અને શ્રોપશાયરમાં ઉછરેલા બાળક જેરેમી કોર્બીન માટે રાજકારણનો અર્થ માત્ર પોલિસી છે, જેમાં વ્યક્તિને કોઈ સ્થાન નથી. પાર્લામેન્ટમાં ૩૨ વર્ષ વીતાવ્યા પછી પણ તેઓ કરકસરવિરોધી સાંસદ છે, જેઓ પોતાના માટે ખાસ ખર્ચ કરતા નથી, પરંતુ સમાજવાદી સમાજની સ્થાપના માટે લોકોના નાણા આનંદથી ખર્ચવા તૈયાર છે. કોર્બીન રાજકારણ સાથે એટલા સમર્પિત છે કે માતાના જીવનની આખરી પળોએ પણ તેઓ મિડલેન્ડ્સમાં ડાબેરી બેઠકમાં હતા. તેઓ લોકલ પાર્કમાં દોડવા જાય છે, કોઈની બેનિફિટ સમસ્યા સાંભળવા રોકાઈ જાય છે. આ પછી સાયકલ પર કે ટ્યુબમાં બેસી પાર્લામેન્ટ જાય છે. તેમની મોટા ભાગની સાંજો સ્થાનિક મીટિંગ્સમાં જ વીતે છે. કોર્બીનના પિતા ડેવિડ ઈલેક્ટ્રિકલ એન્જિનીઅર હતા અને માતા નાઓમી વિજ્ઞાની હતા. તેઓ બન્ને લેબર પાર્ટીના સભ્ય હતા. યુવાનીમાં જ ટ્રેડ યુનિયનિસ્ટના માર્ગે વળેલા કોર્બીને ત્રણ વખત લગ્ન કર્યા છે.