લંડનઃ લેબર પાર્ટીના નેતાપદની સ્પર્ધામાં જેરેમી કોર્બીન ભારે માર્જીનથી વિજેતા બને શક્યતા યુગવના એક પોલમાં જોવા મળી છે. પીઢ ડાબેરી નેતા કોર્બીનને ૬૨ ટકા અને તેમના હરીફ ઓવેન સ્મિથને ૩૮ ટકા મત મળશે તેમ આ સર્વેમાં દર્શાવાયું છે. અગાઉ સપ્ટેમ્બર ૨૦૧૫ની ચૂંટણીમાં વધુ હરીફ હોવાં છતાં કોર્બીને ૬૦ ટકા મત મેળવ્યા હતા. જોકે, વિજયના માર્જીનના કારણે લેબર પાર્ટીમાં ભંગાણ સર્જાય તેવું જોખમ પણ છે.
લેબર પાર્ટીના મવાળ નેતાઓ સામાન્ય ચૂંટણી, હાઉસ ઓફ કોમન્સ અને પ્રજામાં કોર્બીનના નબળા દેખાવને આગળ ધરી તેમની હકાલપટ્ટી માટે જોરદાર પ્રયાસો કરી રહ્યા છે. કોર્બીનના વિરોધમાં તેમની ફ્રન્ટ બેન્ચમાંથી સામૂહિક રાજીનામાં પણ અપાયા છે તેમજ પક્ષના સાંસદોએ બહુમતીથી અવિશ્વાસની દરખાસ્ત પણ પસાર કરી છે. આમ છતાં, પક્ષમાં કોર્બીનની લોકપ્રિયતા તેમના સમર્થકોમાં વધેલી જણાય છે. જો, નવી ચૂંટણીના પરિણામો યુગવના સર્વે અનુસારના રહેશે તો પક્ષમાં ભંગાણ પાડવાનું દબાણ પણ વધી જશે. કોર્બીનના સાથીઓ બળવાખોર સાંસદોને દૂર કરવા માટેની માગણી કરી રહ્યા છે.
સર્વેમાં કોર્બીન ત્રણેય વયજૂથમાં સ્મિથથી આગળ રહ્યા છે. પૂર્ણકાલીન સભ્યોના બાવન ટકા કોર્બીનની અને ૪૦ ટકા સ્મિથની તરફેણ કરે છે. રજિસ્ટર્ડ સમર્થકોમાં અનુક્રમે ૭૦ ટકા અને ૨૫ ટકા જ્યારે યુનિયન સાથે સંકળાયેલા સભ્યોમાં અનુક્રમે ૫૪ ટકા અને ૩૩ ટકાની તરફેણ છે. લેબર પાર્ટીના અંદાજે ૬૪૦,૦૦૦ સભ્યને મતપત્ર મોકલાયાં છે અને મતપત્ર ૨૧ સપ્ટેમ્બર સુધી પરત મોકલી દેવાના છે. મુખ્ય અધિવેશનની પૂર્વસંધ્યા ૨૪ સપ્ટેમ્બરે ખાસ કોન્ફરન્સમાં વિજેતાની જાહેરાત કરી દેવાશે.


