લંડનઃ ડિનર પાર્ટીમાં ભાગ લઈને રુલ ઓફ સિક્સનો ભંગ કર્યો હોવાનું દર્શાવતી તસવીર બહાર આવ્યા પછી લેબર પાર્ટીના ૭૧ વર્ષીય પૂર્વ નેતા જેરેમી કોર્બીને માફી માગી હતી. આ તસવીરમાં તેઓ તેમની ૫૧ વર્ષીય પત્ની લોરા અલ્વારેઝ સહિત નવ લોકો સાથે મિત્રના ઘરે ટેબલ પર બેઠેલા જણાયા હતા. કોવિડ-૧૯ના નિયમોનો ભંગ કરવા બદલ પ્રથમ ગુના માટે કોર્બીન અને ડિનર પાર્ટીમાં સામેલ તેમના મિત્રોને ૨૦૦ - ૨૦૦ પાઉન્ડ મળીને કુલ ૧,૮૦૦ પાઉન્ડનો દંડ થઈ શકે.
ઈસલિંગ્ટન નોર્થના સાંસદે આ બનાવ અંગે માફી માગી હતી અને પોતાની ભૂલ થઈ હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે ધ સન અખબારને જણાવ્યું હતું કે તેમણે તેમના મિત્રના ઘરે ડિનર લીધું હતું જ્યાં મહેમાનોની સંખ્યા પાંચથી વધુ હતી. મહેમાનોમાં ડાબેરી કાર્યકરો, ફિલ્મ નિર્માતાઓ અને આર્ટિસ્ટોનો સમાવેશ થતો હતો. કોર્બિન તેમના પત્ની લોરાથી બે સીટ દૂર બેઠા હતા. એક મહેમાને અન્ય આઠ મહેમાનોનો ફોટો પાડ્યો હતો.
આ ડિનર પાર્ટી કોર્બિનના મોટાભાઈ પીયર્સ કોર્બીને તાજેતરમાં ટ્રફાલ્ગર સ્ક્વેર ખાતે હજારો લોકોની હાજરી સાથે માસ્કવિરોધી રેલીનું નેતૃત્વ સંભાળ્યું હતું તે જ દિવસે મિત્રના ઘેર થઈ હોવાનું મનાય છે. એક સૂત્રે જણાવ્યું હતું કે આ તસવીરને લીધે ખતરો ઉભો થશે તેવો જેરેમીને તરત જ ખ્યાલ આવી ગયો હતો. તેમનો ગંભીર ચહેરો જ બધું કહી દે છે. તેમને લાગ્યું કે પોતે આ નિયમ જાણતા હતા તેથી તેમણે ત્યાં હાજર રહેવું જોઈતું ન હતું.
કોવિડ-૧૯ના બીજા મોજામાં સંક્રમણને ફેલાતું અટકાવવાના પ્રયાસમાં ૧૪ સપ્ટેમ્બરે રુલ ઓફ સિક્સ લાગુ કરાયો હતો.