લંડનઃ લેબર પાર્ટીમાં નેતૃત્વનો વિખવાદ વકરી રહ્યો છે. પાર્ટીના નેતા જેરેમી કોર્બીને મતદાન નિયમો બદલવાના મુદ્દે પક્ષ સામે જ કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. પાર્ટીની નેશનલ એક્ઝીક્યુટિવ કમિટી (NEC)એ નવા સભ્યો નેતૃત્વ સ્પર્ધામાં મત આપી નહિ શકે તેમજ ચૂંટણીમાં ‘રજિસ્ટર્ડ સપોર્ટર’ તરીકે એક મત આપવા માટે ત્રણ પાઉન્ડના બદલે ૨૫ પાઉન્ડની ફી આપવી પડશે તેવો નિર્ણય લેતાં નવી પરિસ્થિતિ સર્જાઈ છે. કોર્બીને પોતાનો હોદ્દો બચાવવા સમર્થકોને આ નવી ફી ભરવાની પણ વિનંતી કરવી પડી છે.
ગત છ મહિનામાં લેબર પાર્ટીમાં ૧૩૦,૦૦૦થી વધુ નવા સભ્યો જોડાયાં છે. આ નવા સભ્યોને મતદાન નહિ કરવા દઈ કોર્બીનને બળપૂર્વક દૂર કરવાની યોજના પડતી ન મૂકાય તો પક્ષ સામે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી પક્ષના નેતાએ ઉચ્ચારી છે. જે સભ્યોએ ૧૨ જાન્યુઆરી પહેલા પક્ષમાં નોંધણી કરાવી હશે તેમને મતદાનનો અધિકાર મળશે. કોર્બીને આ બે નિયમો બદલવા નવેસરથી વિચારણા કરવા NECને અનુરોધ કર્યો છે.
એન્જેલા ઈગલે કોર્બીનની નેતાગીરીને પડકાર આપ્યા પછી નવા નિયમો આવ્યા છે. લેબર પાર્ટીના નેતા નિયમોથી એટલા ગભરાયા છે કે તેમણે પોતાના સમર્થકોને ૨૫ પાઉન્ડ ખર્ચીને ‘રજિસ્ટર્ડ સપોર્ટર’ તરીકે નોંધણી કરાવવા હાકલ કરી છે. NEC લેબર પાર્ટીની સર્વોચ્ચ બંધારણીય સત્તા છે અને તેના નિર્ણયોને દૂર કરી પાર્ટી પોલિટિક્સમાં હસ્તક્ષેપ કરે તે કોર્ટ્સ માટે અતિ દુર્લભ બાબત છે.


