લંડનઃ બ્રિટિશ જેલોમાં ગયા વર્ષે જેલ કોમ્પેન્સેશનના કલેઈમ્સ પાછળ ૩૦ મિલિયન પાઉન્ડનો પબ્લિક મનીનો જંગી ખર્ચ થયો હોવાની જાહેરાત બાદ મિનિસ્ટરોએ આડેધડ ચૂકવાતા વળતર અંગે તપાસના આદેશ આપ્યા છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટિસે પેઆઉટ અને કાનૂની ખર્ચ ક્યાં ઘટાડી શકાય તે શોધવા માટે પ્રિઝન સર્વિસને સુપરત કરાયેલા પર્સનલ ઈન્જરી ક્લેઈમ્સનું સ્પેશિયાલિસ્ટ લો ફર્મ BLM દ્વારા ઓડિટ શરૂ કરાવ્યું છે જે આ મહિને પોતાનો રિપોર્ટ આપશે.
છેલ્લાં નાણાંકીય વર્ષમાં કેદીઓને વળતર અને ક્લેઈમ્સ માટેના કાનૂની ખર્ચ પાછળ ૯.૩ મિલિયન પાઉન્ડ ખર્ચાયા હતા, જે અગાઉના વર્ષ કરતાં ૨૫ ટકા વધુ હતા. તેમાં પ્રિઝન ઓફિસ સ્ટાફને ડેમેજિસની ચૂકવણી, કાનૂની સલાહ અને ૧૩,૮૦૦ પેઆઉટના પ્રોસેસિંગનો ખર્ચ ઉમેરતા ટોટલ બિલ ૨૮.૮ મિલિયન પાઉન્ડે પહોંચ્યુ હતું. તેની આગળના વર્ષે કુલ આંકડો ૨૧.૧ મિલિયન પાઉન્ડ હતો, જેમાંથી કેદીઓના ક્લેઈમની રકમ ૭.૪ મિલિયન પાઉન્ડ હતી.
કેદી અબ્દુલ મિયાએ એક મહિલા પ્રિઝન ઓફિસરે તલાશી લેતાં જાતિગત ભેદભાવ માટે ૨૦૦૦ પાઉન્ડનો ક્લેઈમ કર્યો હતો. પરંતુ કોર્ટે તેનો ક્લેઈમ ફગાવી દીધો હતો. પ્રિઝન ગાર્ડસે સીડી કલેક્શનને નુક્સાન પહોંચાડયા પછી કેદી કેવન ઠકરારને એક જજે ૧,૦૦૦ પાઉન્ડનું વળતર મંજૂર કર્યું હતું. અન્ય એક કેદી અબ્દુલ્લા એહમદ અલીએ ૧,૨૫૦ પાઉન્ડનું વળતર માગ્યું હતું.


