લંડનઃ બ્રિટિશ જેલોમાં આશરે ૭૦ ટકા મુસ્લિમ ચેપલિન્સ ઈસ્લામના કટ્ટરવાદી અર્થઘટનને ઉત્તેજન આપે છે, જે બ્રિટિશ મૂલ્યો અને માનવ અધિકારોથી વિપરીત છે. હોમ ઓફિસના પૂર્વ અધિકારી ઈયાન અચેસનના અભ્યાસ અનુસાર દેશની જેલોમાં કાર્યરત ૨૦૦માંથી ૧૪૦ ચેપલિન્સ દેવબંદી ઈસ્લામ વિચારધારાના અભ્યાસી ઈમામ છે. આ વિચારધારા સંગીતના વિરોધ ઉપરાંત, લૈંગિક ભેદભાવને પ્રોત્સાહન આપે છે.
અચેસન અભ્યાસના ભાગરૂપે જસ્ટિસ મિનિસ્ટ્રીની એક્ઝીક્યુટિવ એજન્સી નેશનલ ઓફેન્ડર મેનેજમેન્ટ સર્વિસના મુસ્લિમ સલાહકાર અહત્શામ અલીની પૂછપરછ પણ કરવામાં આવી હતી. અલી બ્રિટિશ પ્રિઝન સર્વિસમાં મોટા ભાગના ઈમામની પસંદગી કરવા માટે જવાબદાર છે. ગત વર્ષના સપ્ટેમ્બર મહિના સુધી બ્રિટિશ જેલોમાં ૧૨,૬૨૨ કેદી હતા, જે કેદીઓની કુલ વસ્તીના ૧૦.૮ ટકા છે.


