જેલસ્થિત આતંકી હાશેમે માન્ચેસ્ટર હુમલામાં મદદ કર્યાનું કબૂ્લ્યું

Wednesday 16th December 2020 01:49 EST
 
 

લંડનઃ જેલની સજા ભોગવી રહેલા ૨૩ વર્ષીય આતંકવાદી હાશેમ આબેદીએ માન્ચેસ્ટર અરેના બોમ્બ વિસ્ફોટનું ષડયંત્ર ઘડવામાં તે સામેલ હોવાનું સ્વીકાર્યું હતું. પબ્લિક ઈન્ક્વાયરીમાં હાશેમે જણાવ્યું હતું કે તેણે આ હુમલાની યોજનામાં પોતાના ભાઈને મદદ કરી હતી. મે ૨૦૧૭માં થયેલી આ ઘટનામાં ૨૨ લોકોનું મૃત્યુ થયું હતું. ગયા ઓગસ્ટમાં આતંકવાદના ગુના બદલ તેને જેલની સજા થઈ ત્યાર પછી હાશેમે આ પહેલી વખત કબૂલાત કરી હતી.
લીગલ ટીમે ગઈ ૨૨ ઓક્ટોબરે તેની મુલાકાત લીધી હતી. પોલ ગ્રીની QC એ જણાવ્યું હતું કે ૨૨ ઓક્ટોબરે મૂલાકાત દરમિયાન હાશેમે ઈન્ટરવ્યૂમાં કબૂલ કર્યું હતું કે અરેના હુમલાના આયોજન અને તૈયારીમાં તેની સંપૂર્ણ જાણકારી સાથેની ભૂમિકા હતી. હુમલાની તપાસનું નેતૃત્વ સંભાળનારા ડિટેક્ટિવ ચીફ સુપરિન્ટેન્ડન્ટ સાયમન બેરેકલાઉએ ઉમેર્યું હતું કે આ ન્યાયપૂર્ણ ખટલો હતો. તેની ભૂમિકાની બાબતે મને જરા પણ શંકા ન હતી.
૨૨ વર્ષીય સુસાઈડ બોમ્બર સલમાન આબેદીએ સિટી રૂમ તરીકે જાણીતા માન્ચેસ્ટર અરેનાના ફોયરમાં બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. તેમાં ૧,૦૧૭ લોકો ઘાયલ થયા હતા. તેના નાના ભાઈ હાશેમ આબેદીને હત્યાના ૨૨ કાઉન્ટ, હત્યાના પ્રયાસનો એક કાઉન્ટ અને વિસ્ફોટનું ષડયંત્ર ઘડવાના એક કાઉન્ટ બદલ ગયા માર્ચમાં ટ્રાયલ પછી ગુનેગાર ઠેરવાયો હતો. તેને ગયા ઓગસ્ટમાં ઓછામાં ઓછાં ૫૫ વર્ષની જેલની સજા કરાઈ હતી.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે ટ્રાયલ પૂરી થયાં પછી સપ્ટેમ્બરમાં હુમલાના સંજોગોની સ્વતંત્ર તપાસ, માન્ચેસ્ટર અરેના ઈન્ક્વાયરીની જાહેરાત કરી હતી. આ તપાસમાં વિસ્ફોટ તરફ દોરી જતી સલમાન આબેદી અને અન્યોની હિલચાલની ચકાસણી તેમજ ગ્રેટર માન્ચેસ્ટર પોલીસની વળતી કાર્યવાહીની સમીક્ષા કરાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter