જેલો ખાલી કરવા કેદીઓને મુદત કરતાં 18 દિવસ વહેલાં મુક્ત કરાશે

વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવા, રિમાન્ડ પરના અટકાયતીઓ ઘટાડવાનો નિર્ણય

Tuesday 17th October 2023 12:51 EDT
 
 

લંડનઃ જેલોમાં કેદીઓનું ભારણ ઓછું કરવા માટે સરકાર દ્વારા શ્રેણીબદ્ધ પગલાંની જાહેરાત કરાઇ છે. જસ્ટિસ સેક્રેટરી એલેક્સ ચાકે કરેલી જાહેરાત અંતર્ગત ઓછા ગંભીર પ્રકારના અપરાધોમાં સજા ભોગવી રહેલા કેદીઓને તેમની મુક્તિની તારીખથી 18 દિવસ પહેલાં જેલમાંથી મુક્ત કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણયનો અમલ આગામી સપ્તાહથી શરૂ કરાશે. જોકે બળાત્કાર, આતંકવાદ અને હિંસાના આરોપોસર ચાર વર્ષથી વધુ કેદની સજા ભોગવી રહેલા કેદીઓને આ યોજનામાં સામેલ કરાયાં નથી. સરકારની આ યોજના અંતર્ગત આગામી કેટલાંક મહિનામાં હજારો કેદીઓને મુક્ત કરી દેવાય તેવી સંભાવના છે. આ યોજના હંગામી છે પરંતુ તેનો અંત ક્યારે આવશે તેની ચોક્કસ તારીખ સરકારે આપી નથી.

જસ્ટિસ સેક્રેટરીએ જણાવ્યું હતું કે, મુક્ત કરાયેલા કેદી દ્વારા શરતોનું ઉલ્લંઘન કરાશે તો તેને ફરી જેલભેગો કરી દેવાશે. સરકાર જેલો પરના ભારણને ઘટાડવા માટે વિદેશી અપરાધીઓને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહી છે. સરકાર રિમાન્ડ પર રખાતા અટકાયતીઓની સંખ્યામાં ઘટાડો કરવાના પગલાં પણ વિચારી રહી છે.તે ઉપરાંત સરકારે 800 નવા રેપિડ ડિપ્લોયમેન્ટ સેલ તૈયાર કરવા 400 મિલિયન પાઉન્ડની ફાળવણી કરી છે.

આગામી સમયમાં રજૂ થનારા નવા ખરડામાં 12 મહિનાની કેદના સ્થાને અપરાધીને કોમ્યુનિટી ઓર્ડર સાથે સસ્પેન્ડેડ સજાની જોગવાઇ કરાશે. આ માટે કોર્ટને ઉપલબ્ધ કરાવાતા જીપીએસ ટેગની સંખ્યા બમણી કરાશે. કોમ્યુનિટી ઓર્ડરનું ઉલ્લંઘન કરનાર અપરાધીને જેલમાં મોકલી અપાશે.

જેલો ભરચક હોવાથી અપરાધીઓની સજા વિલંબિત કરવા જજોને આદેશ

જેલો ભરચક હોવાના કારણે બળાત્કારીઓ અને લૂટારા સહિતના જામીન પરના દોષિત ઠરેલા અપરાધીઓની સજા વિલંબિત કરવા ન્યાયાધીશોને સૂચના અપાઇ છે. આ સુચના ઇંગ્લેન્ડ અને વેલ્સના સીનિયર પ્રિસાઇડિંગ જજ લોર્ડ જસ્ટિસ એડિસની માર્ગદર્શિકામાં જારી કરાઇ છે. જજોને આદેશ અપાયો છે કે તેમની સમક્ષ હાલ ચાલી રહેલા કેસોમાં તેઓ કોઇ અપરાધીને જેલમાં ન મોકલી આપે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter