લંડનઃ ઈસ્લામિક સ્ટેટ અથવા અલ-કાયદા ધર્મઝનૂનીઓ દ્વારા બ્રિટનને નિશાન બનાવવામાં આવે તેવા સંજોગોમાં દેશના શહેરોની શેરીઓમાં ૫,૦૦૦થી વધુ લશ્કરી સૈનિકો ગોઠવી દેવાની ગુપ્ત યોજના સૌપ્રથમ વખત જાહેર કરાઈ છે. ઓપરેશન ટેમ્પરર હેઠળ ચાવીરુપ સ્થળોનું રક્ષણ સશસ્ત્ર પોલીસને સોંપાશે. પેરિસ હુમલાઓ સંદર્ભે બ્રિટિશ શહેરોમાં પણ સશસ્ત્રની સામૂહિક ગોઠવણી જરુરી મનાય છે. મોટા પાયે હુમલા થાય તો માત્ર પોલીસ તેનો સામનો કરી શકે તેમ નથી.
બ્રિટનની શેરીઓમાં લશ્કરી દળો ફરતાં હોય તેવું ચિત્ર વિવાદ ઉભો કરી શકે છે. વસ્તીના રક્ષણ માટે હોવાં છતાં સરકારે અંકુશ ગુમાવ્યો છે અથવા માર્શલ લો જાહેર કરાયો હોવાની છાપ સર્જાશે તેમ વિરોધીઓ કહે છે. લેસ્ટરમાં નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલની ૧૬ એપ્રિલની બેઠકમાં આ યોજના ઘડાઈ હતી.