લંડનઃ વડા પ્રધાનની નેતાગીરીમાં અવિશ્વાસ દર્શાવતા બળવાખોર કન્ઝર્વેટિવ સાંસદોની કસોટીમાંથી બોરિસ જ્હોન્સન હેમખેમ બચીને બહાર આવ્યા છે. પાર્લામેન્ટમાં 359 કન્ઝર્વેટિવ સાંસદોમાંથી 148 સાંસદે અવિશ્વાસ દર્શાવ્યો હતો પરંતુ, 211 સાંસદોએ જ્હોન્સન વડા પ્રધાનપદે યથાવત રહે તેવો ટેકો જાહેર કર્યો છે. વિશ્વાસમતમાં માત્ર 63 સભ્યની સરસાઈ છતાં, એક વર્ષ સુધી તેમની નેતાગીરીને કોઈ પડકારી શકશે નહિ તેવું જીવતદાન પણ જ્હોન્સનને મળી ગયું છે. જ્હોન્સનને પક્ષના નેતા અને વડા પ્રધાન પદેથી હટાવવા માટે 180 મતની જરૂર હતી. 1922 કમિટી ઓફ કન્ઝર્વેટિવ્ઝના ચેરમેન સર ગ્રેહામ બ્રેડીએ સોમવારે સાંજે પરિણામ જાહેર કરતા કહ્યું હતું કે 58.6 ટકા સાંસદોએ વડા પ્રધાનને સમર્થન આપ્યું છે.
બીજી તરફ, 41.4 ટકા સાંસદોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો છે ત્યારે જ્હોન્સન લાંબા ગાળા સુધી પક્ષની નેતાગીરી સંભાળી શકશે કે તેમ તેવો સવાલ સર્જાયો છે.
અવિશ્વાસ પ્રસ્તાવનાં પરિણામો પરથી સ્પષ્ટ છે કે જ્હોન્સન બ્રિટનના વડા પ્રધાન બની રહેશે. જોકે, ટીકાકારોનું કહેવું છે કે જ્હોન્સન વિરુદ્ધ વધી રહેલો વિદ્રોહ એમની પકડ ઢીલી થઈ હોવા તરફ નિર્દેશ કરે છે. કન્ઝર્વેટિવ પક્ષમાં જ કેટલાય બેકબેન્ચર સાંસદોએ 1922 કમિટીને પત્ર લખીને પક્ષમાં જ્હોન્સનના નેતૃત્વ સામે અવિશ્વાસ દર્શાવ્યો હતો. ટોરી પાર્ટીના બંધારણ અનુસાર ઓછામાં ઓછાં 54 સભ્યો પક્ષના નેતામાં અવિશ્વાસ દર્શાવે તો તેમણે વિશ્વાસનો મત જીતવો પડે છે.
ઉલ્લેખનીય છે કે જ્હોન્સનની ઈમેજ પાર્ટીગેટ કૌભાંડથી ખરડાઈ છે. કોવિડ-19 મહામારીના ગાળામાં સામાન્ય જનતાને નિયંત્રણોનું પાલન કરવા હાકલ કરનાર યુકેની સરકારના ટોચના અધિકારી અને નેતાઓ પાર્ટીઓમાં સામેલ થયા હતા. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ પાર્ટીમાં હાજરી આપી હતી. સિવિલ સર્વિસના સેક્રેટરી સ્યૂ ગ્રેના રિપોર્ટમાં પણ જ્હોન્સનના વલણની આકરી ટીકા કરવામાં આવી હતી. આ રિપોર્ટના પગલે જ્હોન્સનના રાજકીય ભવિષ્ય અંગે અટકળોની શરૂઆત થઈ હતી. કન્ઝર્વેટિવ પાર્ટીના જ ઘણા સાંસદોએ તેમના રાજીનામાની માગણી કરી હતી. આ ઉપરાંત, ટેક્સવધારો અને જીવનનિર્વાહ ખર્ચમાં અસહ્ય વધારાના કારણે પણ જ્હોન્સન સરકાર પ્રત્યે નારાજગી વધી હતી.
બોરિસ જ્હોન્સને અવિશ્વાસ મતદાન અગાઉ પાર્ટીના બેકબેન્ચર્સને વડાપ્રધાન તરીકે તેમની પર પોતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે વ્યક્તિગત અનુરોધ કર્યો હતો. પ્રસ્તાવ પર ગુપ્ત મતદાન કરવામાં આવ્યુ હતું. જ્હોન્સને મતદાનના પરિણામ પછી પ્રતિક્રિયામાં કહ્યું હતું કે આ એક નક્કર અને નિર્ણાયક પરિણામ છે. આનો અર્થ એ છે કે એક સરકાર તરીકે આગળ વધી શકીએ છીએ અને લોકો માટે મહત્ત્વની બાબતો પર ધ્યાન આપી શકીએ છીએ. જ્હોન્સનના પુરોગામી વડા પ્રધાન થેરેસા મે વર્ષ 2018માં વિશ્વાસમત જીતી ગયાં હોવાં છતાં, છ માસમાં જ બ્રેક્ઝિટ ડીલ પાસ ન કરાવી શકતાં તેમણે રાજીનામું આપવું પડ્યું હતું.
અવિશ્વાસ પ્રસ્તાવ આવવાની સાથે જ જ્હોન્સનના ઉત્તરાધિકારીની ચર્ચાઓ શરૂ થઈ ગઈ હતી. મીડિયામાં ચર્ચા હતી કે જો બોરિસની ખુરશી જશે તો તેમના નજીકના ચાર નેતામાંથી એક વડા પ્રધાન બની શકે છે. વડા પ્રધાનપદના દાવેદારોમાં ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસ, ચાન્સેલર રિશિ સુનાક, જેરેમી હન્ટનો સમાવેશ થાય છે. જોકે, અવિશ્વાસ મતમાં જ્હોન્સનના વિજય પછી આ બધી વાતો અને દાવાઓ હાલ પૂરતા શાંત થઈ જશે.


