જો તમારે 3 ઘર હશે તો એનર્જી બિલ્સમાં £1200નું ડિસ્કાઉન્ટ

Wednesday 01st June 2022 06:16 EDT
 

લંડનઃ જીવનનિર્વાહ કટોકટીનો સામનો કરવા ટ્રેઝરી દ્વારા બીજું ઘર ધરાવતા મકાનમાલિકોને 620 મિલિયન પાઉન્ડનો લાભ એનર્જી બિલ્સમાં ડિસ્કાઉન્ટ તરીકે મળવાનો છે. યુકેમાં બે ઘર ધરાવતા આશરે 772,000 હાઉસહોલ્ડ્સને એનર્જી બિલ્સમાં 800 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ મળવાપાત્ર છે. સરકારે ઓક્ટોબરમાં પ્રતિ હાઉસહોલ્ડ 400 પાઉન્ડનું ડિસ્કાઉન્ટ ચૂકવવા જાહેરાત કરી છે.

બે ઘર ધરાવનારાને તેમના બંને રહેઠાણને આવરી લેવાં બે પેમેન્ટનો લાભ મળશે. ત્રણ ઘર ધરાવનારાને પણ આવો જ લાભ મળશે. આનો અર્થ એ થાય કે આશરે 61,000 લોકો કુલ 1,200 પાઉન્ડનું એનર્જી બિલ ડિસ્કાઉન્ટ મેળવવા લાઈનમાં છે. ચાન્સેલર સુનાક ખુદ ત્રણ મકાન ધરાવે છે જેમાં, વેસ્ટ લંડનના કેન્સિંગ્ટનમાં 7 મિલિયન પાઉન્ડનું પાંચ બેડરૂમનું રહેઠાણ, ઓલ્ડ બ્રોમ્પ્ટન રોડ નજીક પ્રથમ માળનો ફ્લેટ તેમજ તેમના નોર્થ યોર્કશાયર મતક્ષેત્રમાં 1.5 મિલિયન પાઉન્ડના જ્યોર્જિયન મેન્શનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુનાક યુએસએના કેલિફોર્નિયાના સાન્ટા મોનિકામાં પણ 5.5 મિલિયન પાઉન્ડના મૂલ્યનું પેન્ટહાઉસ પણ ધરાવે છે.

ઓક્ટોબર મહિનામાં હાઉસહોલ્ડ એનર્જી બિલ્સ વધીને આશરે 2,800 પાઉન્ડ થવાની વકી છે. એનર્જી રેગ્યુલેટર Ofgem અનુસાર ઓટમમાં એનર્જી પ્રાઈસ મર્યાદાની સમીક્ષા થશે ત્યારે વર્તમાન મર્યાદા 1,971 પાઉન્ડમાં વધારો નિશ્ચિત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter