લંડનઃ યુએસના પ્રમુખપદે ચૂંટાઈ આવ્યા પછી જો બાઈડેન પ્રમુખ તરીકે તેમની પ્રથમ વિદેશયાત્રામાં જૂન મહિનામાં યુકેની મુલાકાત લેશે. પ્રમુખ બાઈડેન ૧૧-૧૩ જૂને કોર્નવોલમાં યોજાનારી G7 સમિટમાં હાજરી આપશે. બાઈડેન ક્વીન એલિઝાબેથની મુલાકાત લે તેવી પણ શક્યતા છે. યુકે પછી તેઓ ૧૪ જૂને બેલ્જિયમના બ્રસેલ્સ ખાતે નાટો સમિટમાં હાજરી આપશે.
વ્હાઈટ હાઉસના જણાવ્યા અનુસાર પ્રેસિડેન્ટ બાઈડેન તમામ મૈત્રીસંબંધોને પુનઃસ્થાપિત કરવા સાથે ટ્રાન્સએટલાન્ટિક સંબંધોને વધુ ચેતનવંતા બનાવશે. યુકેની મુલાકાત દરમિયાન તેઓ G7ના સાથીનેતાઓ અને પ્રાઈમ મિનિસ્ટર બોરિસ જ્હોન્સન સાથે દ્વિપક્ષી બેઠકો પણ યોજશે. G7 ગ્રૂપમાં યુકે, યુએસ, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઈટાલી અને જાપાન સભ્યો છે જ્યારે ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા અને ઈયુ આમંત્રિતો તરીકે શિખર પરિષદમાં હાજરી આપશે.
કોર્નવોલ સમિટમાં રશિયા અને ચીન દ્વારા લોકશાહી વિશ્વ સામે રખાયેલા પડકારોનો સામનો કરવાની રણનીતિ પણ ચર્ચાશે. આ જ મુદ્દો બ્રસેલ્સમાં નાટો અને ઈયુ સાથેની બેઠકોમાં મુખ્ય રહેશે. દરમિયાન, બાઈડેને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને યુરોપમાં મળવાનું આમંત્રણ પણ આપ્યું છે. તેને ધ્યાનમાં લેતા બાઈડેન-પુતિન મંત્રમા પણ યોજાઈ શકે છે.
નવેમ્બર ૨૦૨૦ની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પને પરાજિત કર્યા પછી પ્રમુખ જો બાઈડનની સૌપ્રથમ વિદેશયાત્રાનો આરંભ યુકેથી થશે. પ્રમુખપદે વિજય પછી બાઈડને કોઈ પણ યુરોપીય નેતાઓથી પહેલા યુકેના પ્રાઈમ મિનિસ્ટર જ્હોન્સન સાથે ટેલિફોનથી વાતચીત કરી હતી. બંને નેતાએ યુકે અને યુએસ વચ્ચે સંભવિત મુક્ત વ્યાપાર કરારના લાભની વાતો કરી હતી. જ્હોન્સને વર્તમાન વેપાર સમસ્યાઓને વેળાસર ઉકેલવાની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
યુએસ દ્વારા ૨૩ એપ્રિલ શુક્રવારે આયોજિત વર્ચ્યુઅલ ક્લાઈમેક્સ એક્શન સમિટમાં પણ જ્હોન્સને હાજરી આપી હતી.