લેસ્ટરઃ બેલગ્રેવ રોડ પરની જ્વેલર્સ શોપ ધરાવતા ૭૪ વર્ષીય રમણિકલાલ જોગિયાની હત્યાના પ્રકરણમાં સોમવારે ૨૨ વર્ષીય મહિલાની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે આ કેસમાં કુલ નવ લોકોની ધરપકડ થઈ છે. તેણે જોગિયાનું અપહરણ અને લૂંટ કરવાનું ષડયંત્ર ઘડ્યું હોવાની શંકાથી તેને પકડવામાં આવી હતી.
અગાઉ અપહરણ અને લૂંટના ગુનાસર પકડવામાં આવેલા ૧૯, ૨૦, ૨૩ અને ૨૯ વર્ષના ચાર યુવાનોને લેસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં હાજર કરાયા હતા અને લેસ્ટર ક્રાઉન કોર્ટમાં હાજર કરાય ત્યાં સુધી તેમને રિમાન્ડ પર રખાયા છે. ૨૨ અને ૧૮ વર્ષના બે યુવકને અંડર ઈન્વેસ્ટિગેશન મુક્ત કરાયા છે. જ્યારે ૨૦ અને ૨૧ વર્ષના બે અન્ય યુવકને વધુ કોઈ કાર્યવાહી વિના છોડી દેવાયા હતા.
લેસ્ટરના વામા કલેક્શન્સમાં જ્વેલરીનો હિસ્સો ધરાવતા રમણિકલાલ જોગિયા બુધવારે રાત્રે શોપ પરથી ઘેર પાછા ફર્યા ન હતા અને તેઓ લાપતા હોવાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમના પર શારીરિક હુમલાના પરિણામે ગંભીર ઈજાઓ જોવા મળી હતી. પોસ્ટ-મોર્ટમ તપાસ કરાઈ હતી. ત્રણ સંતાનોના પિતા જોગિયા થોડાં સપ્તાહમાં જ નિવૃત્તિ લેવાના હતા.

