લંડનઃ યુકેના પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને સાંસદપદેથી રાજીનામુ આપી દીધું છે. તેમણે આરોપ મૂક્યો હતો કે લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાના મામલામાં મને સંસદમાંથી રાજીનામુ આપી દેવાની ફરજ પાડવામાં આવી છે. કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે પાર્ટી કરવાના મામલામાં જોન્સને હાઉસ ઓફ કોમન્સને ગેરમાર્ગે દોર્યું હતું કે કેમ તે અંગે તપાસ કરી રહેલી પ્રિવિલેજ કમિટીનો અહેવાલ જોન્સને જોઇ લીધો છે. જોન્સને પ્રિવિલેજ કમિટીને કાંગારૂ કોર્ટ ગણાવતા જણાવ્યું હતું કે, આ કમિટી હકીકતોની ચકાસણી કર્યા વિના જ મને દોષિત ઠેરવવા માગે છે. પ્રિવિલેજ કમિટીએ જણાવ્યું હતું કે, અમે અમને અપાયેલા આદેશ અને પ્રોસિજરને જ અનુસરી રહ્યાં છીએ.
ગયા શુક્રવારે સાંજે રાજીનામાની જાહેરાત કરતા જોન્સને જણાવ્યું હતું કે, મેં કમિટીનો ડ્રાફટ રિપોર્ટ જોયો છે અને તે ખામીઓ અને ભેદભાવથી ભરેલો છે. મને સંસદમાંથી હાંકી કાઢવા માટે કમિટી મારી વિરુદ્ધ કાર્યવાહી માટે પ્રતિબદ્ધ હતી. મેં હાઉસ ઓફ કોમન્સને ગેરમાર્ગે દોર્યું છે તેવો એકપમ પુરાવો તેઓ રજૂ કરી શક્યાં નથી. હું જુઠ્ઠું બોલતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે પૂર્વ વડાપ્રધાન બોરિસ જોન્સને માર્ચ મહિનામાં સુનાવણી દરમિયાન પ્રિવિલેજ કમિટીને પુરાવા સાથે જણાવ્યું હતું કે, તેમણે સંસદને ગેરમાર્ગે દોરી હતી પરંતુ તેમણે ઇરાદાપુર્વક એમ કર્યું નહોતું.
બોરિસ જોન્સને પ્રિવિલેજ કમિટીને ઊંઠા ભણાવ્યા હતા
લંડનઃ ડાઉનિંગ સ્ટ્રીટ પાર્ટી સ્કેન્ડલની તપાસમાં બોરિસ જોન્સને સંસદને જાણી જોઇને ગેરમાર્ગે દોરી હતી એવું તારણ સાંસદોની સમિતિ દ્વારા આપવામાં આવ્યું છે. સમિતિએ જોન્સન દ્વારા કરાયેલી દલીલોને નકારી કાઢી છે. પૂર્વ વડાપ્રધાને દાવો કર્યો હતો કે, વરિષ્ઠ અધિકારીઓએ મને સલાહ આપી હતી કે કોરોના મહામારી દરમિયાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દરેક સમયે કોવિડ નિયમો અને માર્ગદર્શિકાનું ચુસ્તતાથી પાલન કરવામાં આવી રહ્યું છે. સાત સાંસદોની પ્રિવિલેજ કમિટીએ જોન્સનની આ દલીલને ફગાવી દેતાં જણાવ્યું હતું કે, અધિકારીઓ દ્વારા તેમને આ પ્રકારની કોઇ સલાહ અપાઇ નહોતી. તેમના એક અધિકારીએ તો આ પ્રકારના દાવાઓ અંગે જોન્સનને ચેતવણી પણ આપી હતી.


