જોબ સપોર્ટ સ્કીમ (JSS) કેવી રીતે કામ કરશે?

Wednesday 30th September 2020 02:39 EDT
 
 

લંડનઃચાન્સેલર રિશિ સુનાકે ઓક્ટોબર મહિનાના અંતે બંધ થઈ રહેલી ફર્લો સ્કીમના બદલે નવી જોબ સપોર્ટ સ્કીમ (JSS) જાહેર કરી છે. આ યોજના હેઠળ બિઝનેસીસ વર્કરે કામકાજના કલાકો પર નિયંત્રણો અથવા આર્થિક મંદીના કારણે બિઝનેસ ન થતો હોય તેમાં જેટલા કલાક કામ કર્યું હોય તેનું વેતન તો ચૂકવશે તેમજ જેટલા કલાક કામ કરી ન શકે તેના વેતનની ચૂકવણીમાં સરકાર અને એમ્પ્લોયર હિસ્સેદારી કરશે. આ યોજનાનો અર્થ એ છે કે ટુંકા સમય માટે કામ કરી શકનારા વર્કરને તેઓ કામ કરી શકે તેમ ન હોય તેટલા કલાકો માટે બે તૃતીઆંશ વેતન ચૂકવાશે. તમામ નાના અને મધ્યમ કક્ષાના બિઝનેસીસને આ સ્કીમમાં આવરી લેવાશે. જોકે, મોટા બિઝનેસીસે તેનો લાભ લેવો હોય તો કોરોના કટોકટીના લીધે તેમના ટર્નઓવરમાં ઘટાડો થયાનું દર્શાવવાનું રહેશે. આ યોજના નવેમ્બરથી શરુ થઈ છ મહિના (એપ્રિલ ૨૦૨૧) સુધી અમલમાં રહેશે અને તેની પાછળ માસિક ઓછામાં ઓછો ૩૦૦ મિલિયન પાઉન્ડનો ખર્ચ આવશે.

જોબ સપોર્ટ સ્કીમના મહત્ત્વપૂર્ણ મુદ્દાઃ

• વર્કર્સ આ યોજનાનો લાભ મેળવવા કોરોના મહામારી અગાઉ જેટલા કલાક કામ કરતા હતા તેના ઓછામાં ઓછાં એક તૃતીઆંશ કલાક કામ કરતા હોવા જોઈએ.

• એમ્પ્લોયર વર્કરને તેણે કરેલા કામના કલાક સામે તેને ચૂકવાતા સામાન્ય દરથી મહેનતાણું-વેતન ચૂકવશે.

• આના ઉપરકાંત, સરકાર અને એમ્પ્લોયર બાકી રહેલા કામના કલાકોના વેતન માટે બે તૃતીઆંશ વેતનની ચૂકવણી કરશે. આ વેતનનો અર્ધો હિસ્સો એમ્પ્લોયર અને અર્ધો હિસ્સો સરકાર ચૂકવશે.

• આમ, એમ્પ્લોયરને વર્કર પાસેથી જેટલા કલાક વાસ્તવિક કામ મળ્યું હોય તેના કરતાં વધુ વેતન ચૂકવવાનું આવશે.

• જોકે, ફર્લો પછી વર્કરને કામે જાળવી રાખવા તેમને ૧,૦૦૦ પાઉન્ડ જોબ રિટેન્શન બોનસ આપવાની જાહેરાત કરાયેલી જ છે.

• આ યોજના હેઠળ સરકાર માટે વર્કરના સમગ્ર માસિક વેતનના ૨૨ ટકા અને મહત્તમ ૬૯૭.૯૨ પાઉન્ડથી વધુ વેતન ચૂકવવાનું થતું નથી

• આ યોજના ૨૫૦ અથવા તેથી ઓછાં કર્મચારી સાથેના તેમજ ફર્લોનો ઉપયોગ કર્યો ન હોય તેવા તમામ બિઝનેસીસ-ફર્મ્સ માટે ખુલ્લી છે.

• મોટા બિઝનેસીસ પણ યોજનાનો લાભ મેળવી શકે છે પરંતુ, કોરોના મહામારીના કારણે તેમની આવકમાં ઘટાડો થયો હોવાનું પૂરવાર કરવાનું રહેશે.

• જોબ સપોર્ટ સ્કીમમાં ઘાગ લેવા દરમિયાન બિઝનેસીસ કર્મચારીઓને છટણીની નોટિસ આપી શકશે નહિ તેમજ શેરહોલ્ડર્સને મૂડીની વહેંચણી બાબતે પણ નિયંત્રણો રહેશે.

• ટ્રેઝરીને આશા છે કે આ યોજના બિઝનેસીસ વર્કર્સને વેતન ચૂકવી ન શકે તેવા સંજોગોમાં તેમને લે-ઓફ આપવાના બદલે તેમના કામના કલાકો ઘટાડવાની છૂટ આપશે.

કર્મચારીને કામકાજના કલાકો અનુસાર ચૂકવાનારા વેતન, એમ્પ્લોયર અને સરકારની હિસ્સેદારી તેમજ કર્મચારીને કેટલું વેતન મળશે તેની વિગતો આ સાથેના કોષ્ટકમાંથી જાણી શકાશે.

--------------------------------------------

સામાન્ય          કામના                  એમ્પ્લોયર     સરકાર + એમ્પ્લોયર          નવું માસિક        સામાન્ય

માસિક વેતન     કલાક%                ચૂકવશે        ચૂકવશે                           વેતન             વેતનના %

£૩,૦૦૦       ૩૩                         £૧,૦૦૦     £૬૬૭+£૬૬૭                   £૨,૩૪૪       ૭૮%

£૨,૦૦૦       ૫૦                         £૧,૦૦૦     £૩૩૩+£૩૩૩                    £૧,૬૬૬       ૮૩%

£૧,૦૦૦       ૭૦                         £૭૦૦        £૧૦૦+£૧૦૦                     £૯૦૦          ૯૦%


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter