લંડન
લંડનમાં પોતાના બે મિત્રોની સાથે છૂરાબાજી થયા બાદ 23 વર્ષીય જોસેફ બેન્ટલીએ એક એવું ડિવાઇસ તૈયાર કર્યું છે જેના દ્વારા તીક્ષ્ણ હથિયારથી થયેલી ઇજામાં લોહી વહેતું અટકાવી શકાય છે અને તેના પગલે ઇજાગ્રસ્તનું મોત અટકી શકે છે. બેન્ટલીને આ માટે રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ દ્વારા ફેલોશિપ અપાઇ છે બેન્ટલીના બંને મિત્રો છૂરાબાજીની ઇજામાંથી બચી ગયાં હતાં પરંતુ આ ઘટનાએ તે સમયે લોઘબોરો યુનિવર્સિટી ખાતે અભ્યાસ કરતા જોસેફ બેન્ટલીને આ ડિવાઇસ તૈયાર કરવાની પ્રેરણા આપી હતી. બેન્ટલીએ તેના રિસર્ચમાં શોધી કાઢ્યું હતું કે છૂરાબાજીની મોટાભાગની ઘટનાઓમાં વધુ પડતું લોહી વહી જવાના કારણે ઇજાગ્રસ્તનું મોત થતું હોય છે. તેથી તેણે હાથથી જ વાપરી શકાય તેવું ટૂલ વિકસાવવાનું શરૂ કર્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટી ખાતે પ્રોડક્ટ ડિઝાઇન એન્ડ ટેકનોલોજીનો અભ્યાસ કરી રહેલા બેન્ટલીએ વિકસાવેલું ટૂલ પોર્ટેબલ છે જેને છૂરા અથવા ગોળીના ઘામાં ફીટ કરવાથી લોહી વહી જવાનું પ્રમાણ એકદમ ઘટી જાય છે. સપ્ટેમ્બર 2021માં બેન્ટલીએ એસીટી મેડિકલ નામનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું અને આ ટૂલ માટે પેટન્ટ ફાઇલ કરી હતી. આ ડિવાઇસ વિકસાવવા માટે બેન્ટલીને યુકે જેમ્સ ડાયસન એવોર્ડથી સન્માનિત કરાયો હતો. તે ઉપરાંત તેને રોયલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગની ફેલોશિપ પણ એનાયત કરાઇ હતી. એકેડેમીએ જણાવ્યું હતું કે, બેન્ટલીએ વિકસાવેલા ડિવાઇસથી ઘણા ઇજાગ્રસ્તોના જીવ બચાવી શકાશે.


