ધર્મને સામ્યવાદીઅો અફીણના નશા સાથે સરખાવે છે. ઘણી વખત ધર્મ અને આધ્યાત્મિકતાની અસર કેટલાક લોકો પર એટલી બધી થઇ જતી હોય છે કે તેઅો પોતાના પરિવારની પણ પરવા કરતા નથી અને કહેવાતા પાખંડી ધર્મગુરૂઅોની ચુંગાલમાં આવી પોતાના લગ્નજીવન અને પરિવાર જ નહિં પણ આર્થિક સંપત્તીની પણ આહુતી આપી દેતા હોય છે. મુશ્કેલી એ છે કે આવા પાખંડી ધર્મગુરૂઅો સામે ભોગ બનેલ વ્યક્તિ પોતાના જ સ્વજન જોડાયેલા હોવાથી કોઇ ફરિયાદ કરી શકતી નથી અને અમારા જેવા અખબારો પણ કાયદાકીય આંટીઘુંટીને કારણે કહેવાતા ગુરૂનું નામ અને ભોગ બનેલા સદગૃહસ્થ (?)નું નામ રજૂ કરી શકતા નથી, જે ખરેખર સમગ્ર સમાજ માટે ખેદજનક છે. આવી મુશ્કેલીઅોને કારણે લેભાગુ ગુરૂઅોનો વ્યાપ વધતો જાય છે અને કેટલાક લોકોના ઘર ભાંગતા રહે છે.
અમારા વાચક મિત્રએ પોતાના નામ સરનામા સાથે પોતાની આપવીતી રજૂ કરતો પત્ર અમને મોકલતા અમે તેમની ઝીણવટભરી માહિતી મેળવી હતી અને બીજા વાચક મિત્રો અને તેમના પરિવાર આવા લેભાગુ કથાકારો કે ગુરૂજીઅોનો ભોગ ન બને તે આશયે અત્રે સત્ય ઘટના રજૂ કરી રહ્યા છીએ. જોકે તેમાં સાચા નામ છુપાવાયા છે.
લંડનમાં રહેતા અને હવે નિવૃત્ત થઇ ગયેલા એક સદગૃહસ્થ શનિભાઇ (નામ ખોટુ છે) પત્ની (મંગળાબેન) આજથી લગભગ વીસેક વર્ષ પૂર્વે ભારતથી ઉનાળામાં કથા કરવા માટે યુકે આવેલા એક કથાકારના સંપર્કમાં આવ્યા હતા. પોતાને વિદ્વાન કથાકાર માનતા આ કથાકાર ધાર્મિક કથા વાર્તાનો આધાર લઇને ખાસ કરીને મહિલાઅોને પોતાના કાબુમાં લેતા હતા. શનિભાઇ અને મંગળાબેનને આ કથાકારનો જરા પણ પરિચય નહોતો. કથા પૂરી થયા બાદ આ કથાકારે પ્રસાદ આપીને દંપત્તીનો ઘરોબો કેળવવા પ્રયત્ન કર્યો હતો. જાણે કે લોકોને અને ખાસ કરીને મહિલાઅોને ભોળવવાની તાલીમ પામ્યા હોય તેમ એ કથાકારની મીઠી વાણીમાં પહેલે જ દિવસે મંગળાબેન ફસાઇ ગયા હતા. ઘરે જતાની સાથે જ મંગળાબેને શનિભાઇને કથામાં બહુજ રસ પડ્યો અને આપણે બીજે દિવસે પણ કથા સાંભળવા જઇશું એમ જણાવી દીધું હતું.
મંગળાબેનની પાછળ શનિભાઇ પણ દોરવાયા હતા અને નિયમીત કથા વાર્તાનો લાભ લેવા લાગ્યા હતા. કથાના સાતેક દિવસના પરિચય બાદ કથાકારના સ્વરૂપ અને આચારવિચારને જાણ્યા વગર જ મંગળાબેન જાતે જ કથાકારના શિષ્ય બની ગયા હતા અને લેભાગુ કથાકાર તેમનો ગુરૂ બની ગયો હતો. બસ પછી તો દર વર્ષે એ કથાકાર લંડન આવતા અને મંગળાબેન અને તેમના બાળકોની આધ્યાત્મિકતા, સંસ્કૃતિ પ્રત્યેનો રસ અને ધર્મ વિષે ખોટે ખોટા વખાણ કરતા. મંગળાબેન ક્રમશ: કથાકારની ચુંગાલમાં ફસાતા ચાલ્યા હતા. મંગળાબેનનું જાણે સંમોહન કર્યું હોય તેમ તેઅો કથાકારની જ વાત માનવા લાગ્યા હતા.
મંગળાબેન અને તેનો પરિવાર બધી રીતે સપન્ન અને સુખી હોવા છતાં કથાકાર મંત્રેલા દોરા ધાગા અને માળાઅો મંગળાબેનને પહેરાવતા. મંગળાબેન કથાકારની ચુંગાલમાં એટલી હદે ફસાઇ ગયા હતા કે તેઅો ગુરૂજીને જ જાણે ભગવાન માનવા લાગ્યા હતા. મંગળાબેન કથાકારને ગુરૂજી માને ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ હવે તો તેઅો કથાકારને ભગવાનનું સ્વરૂપ ગણીને તેમના પગ ધોઇને એનું પાણી રીતસર પીવા લાગ્યા હતા. ઘણી વખત તેઅો ગુરૂજીની આરતી ઉતારતા અને પરિક્રમા કરતા અને દક્ષિણા તરીકે £ ૩૫૧ થી લઇને £૫૫૧ ચરણે ધરાવતા. તો પ્રસાદ તરીકે કાજુ, બદામ, લવિંગ, ઇલાયચી અને સુકામેવાનો ભોગ ધરાવતા.
શનિભાઇને શરૂઆતમાં પત્ની મંગળાબેનની વધુ પડતી ભક્તિ સામે વાંધો નહોતો. પરંતુ ધીમે ધીમે મંગળાબેનની ગુરૂ ભક્તિ વધતી ચાલી હતી. એક સમય એવો આવ્યો હતો કે મંગળાબેને પતિ શનિભાઇનું ધ્યાન રાખવાનું પણ છોડી દીધું હતું. શનિભાઇને પણ થયું હતું કે ચાલે છે... ને ચાલવા દો. પરંતુ હદ તો ત્યારે થઇ હતી કે મંજુલાબેન શનિભાઇથી છુપાવીને ગુરૂ ભક્તિ કરતાં અને ઘરમાંથી મન ફાવે તેવી ભેટો ગુરૂજીને ચરણે ધરાવતા. જ્યારે આ અંગે શનિભાઇને ખબર પડી ત્યારે તેમણે પત્નીને ઠપકો આપ્યો હતો, પરંતુ સુધરવાના બદલે મંગળાબેન પતિ સાથે તકરાર કરવા લાગ્યા હતા. બાળકો યુનિવર્સિટીમાં ભણતા હોવાથી શનિભાઇને બાળકોનું ભણતર ન બગડે અને તેમનો વિકાસ ન રૂંધાય તે માટે પત્નીની આ ગુરૂ ભક્તિને ચલાવી લેવા સિવાય કોઇ છુટકો નહોતો. શનિભાઇએ પત્ની મંગળાબેનને ગુરૂજીને છોડી દેવા કહેતા મંગળાબેને તેમને સાફ શબ્દોમાં સંભળાવી દીધું હતું કે 'હું તમને છોડીશ પણ ગુરૂજીને નહિં છોડું.'
ગુરૂજીની લીલાઅો ધીમે ધીમે વધતી ચાલી હતી અને હવે ગુરૂજીનું સ્વપ્ન હતું કે મંગળાબેનના દિકરાના લગ્ન પોતાની પુત્રી સાથે થાય. સદનસીબે એ થઇ શક્યું નહતું. શનિભાઇના દિકરાના લગ્ન તો થઇ ગયા હતા, પરંતુ તેમના ખુદના લગ્ન આ ગુરૂજીની ચુંગાલના કારણે પડી ભાંગ્યા છે. ૩૫ વર્ષના લગ્ન જીવન બાદ શનિભાઇ અને મંગળાબેનના પાંચ વર્ષના કોર્ટ કેસ અને સુનાવણીઅો બાદ છુટાછેડા થઇ ગયા છે. શનિભાઇએ કોર્ટના આદેશ મુજબ પત્નીને સરસ ડીટેચ્ડ હાઉસ આપવું પડ્યું છે અને દર મહિને ખાધાખોરાકીના પાઉન્ડ આપવા પડે છે. મંગળાબેન હવે ગુરૂજીને પધરામણી પેટે £૧,૦૦૦ આપે છે અને આ ક્રમ ક્યાં સુધી ચાલશે એની શનિભાઇને હજુ ખબર નથી.
ભગવાનની કથાને ધંધાનું સ્વરૂપ આપીને મીઠી જબાન વાપરી અંધશ્રધ્ધાળુઅોને છેતરતા આ કથાકાર પાસે ભારતમાં અઢળક રૂપિયા, બંગલા, ફેક્ટરી અને ગાડીઅો સાથે સારો ધંધો છે. પરંતુ તેઅો અહિં હજુ દર વર્ષે આવે છે અને શ્રધ્ધાળુઅોની શ્રધ્ધાનો ફાયદો લઇને તેમને લુંટે છે. સુંઠના ગાંગડે ગાંધી થઇ કોઠાસુઝ વગરની મહિલાઅોને લુંટતા આવા ગુરૂજી માટે શનિભાઇ કહે છે કે 'મારો આ અનુભવ આવા ગુરૂઅોની લીલા બહાર પાડવાનો એક માત્ર આશય લોક કલ્યાણનો છે. બીજા કોઇ વ્યક્તિનું ઘર ન તૂટે અને સંતાનો પર બાપનો છાંયો જળવાઇ રહે એ માટે મારે આ લેભાગુ કથાકારના અવગુણોને જનતા સમક્ષ બહાર પાડવા છે. આ ગુરૂજી માત્ર મહિલાઅોને જ નિશાન બનાવે છે અને પછી તેમનું આર્થિક શોષણ કરે છે. મારી પાસે તો ખૂબજ આર્થિક સંપત્તી અને મિલક્ત છે, પરંતુ જેની પાસે કોઇ આધાર જ નહોય તેનું શું?'
શનિભાઇની ધંધામાં એટલી બધી ફાવટ હતી કે તેઅો હજારો પાઉન્ડ કમાતા હતા પરંતુ હવે પોતાને થયેલા અનુભવ બાદ તેમનું મન વૈરાગ્ય તરફ પણ જઇ શકતું નથી. શનિભાઇની સૌને અને ખાસ કરીને મહિલાઅોને એક જ પ્રાર્થના છે કે 'આપણા શાસ્ત્રોમાં જ્યારે પતિને પરમેશ્વર કહ્યો છે ત્યારે કહેવાતા ગુરૂમાં ભગવાનને શોધવાનો શું અર્થ? શા માટે તમે પોતાના પતિ, પરિવાર અને સ્વજનોને દુભવો છો? દંભી, પાખંડી અને ધોળા કે ભગવા કપડા પહેરીને લોકોને છેતરતા ગુરૂજીઅોની વાણી પર ભરોસો કરીને જો તમે તેમના પગલે ચાલશો તો પરિવારને છોડવાનો સમય આવશે અને સમાજ પણ તમારી પાછળ 'થુ થુ' કરશે.'
વાચક મિત્રો, કહેવત છે ને કે ચેતતા નર સદા સુખી. ધર્મનું આચરણ સંસારમાં રહીને પણ થઇ શકે છે અને એવા ઘણાં દાખલાઅો છે જેમાં સંસારીઅોએ ધર્મની સારી સેવા કરી હશે. આ સત્ય કિસ્સા અંગે આપના અભિપ્રાય આવકાર્ય છે.


