લંડનઃ પ્રોફેશનલ ક્વોલિફિકેશન્સ ખોટી દર્શાવાઇ હોવાનું સામે આવ્યા બાદ જ્હોન વૂડ ગ્રુપના ચીફ ફાઇનાન્સિયલ ઓફિસર અરવિંદ બાલને રાજીનામુ આપી દીધું છે. 44 વર્ષીય બાલને જણાવ્યું હતું કે, આ એક અજાણતા થયેલી ભૂલ હતી. તેમને સર્ટિફાઇડ પ્રેકટિસિંગ એકાઉન્ટન્ટને સ્થાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગણાવવામાં આવ્યા હતા.
અરવિંદ બાલનની નિયુક્તિ નવેમ્બર 2023માં કરાઇ હતી અને તેઓ એનર્જી એન્જિનિયરિંગ કન્સલ્ટન્સીમાં એપ્રિલ 2024માં જોડાયા હતા. કંપનીની સત્તાવાર જાહેરાતમાં તેમને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ગણાવવામાં આવ્યા હતા.
બાલનની નિયુક્તિ માટે રોય ફ્રેન્કલિનની અધ્યક્ષતાવાળી કંપનીની નોમિનેશન કમિટી દ્વારા ભલામણ કરાઇ હતી. કંપનીમાં જોડાયા તે પહેલાં બાલન રોલ્સ રોય્સના સિવિલ એરોસ્પેસ બિઝનેસના ફાઇનાન્સ ચીફ હતા. આ પહેલાં તેઓ શેલ કંપની માટે પણ કામ કરી ચૂક્યાં છે.