લંડનઃ ઉનાળો આવતા સાથે લોકડાઉનના નિયંત્રણો હટાવી લેવાય તેવી સંપૂર્ણ સંભાવના સાથે વેડિંગ ઈન્ડસ્ટ્રી પૂરજોશમાં આવી શકે છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને પણ લોકડાઉન ઉઠાવી લેવાયા પછી ફિયાન્સી કેરી સાયમન્ડ્સ સાથે પ્રભુતામાં પગલાં માંડવાનો સંકેત આપ્યો હતો.
ધ સન અખબાર દ્વારા વડા પ્રધાન જ્હોન્સનને તેઓ ઉનાળામાં લગ્નનું આયોજન કરી રહ્યા છે તેવો પ્રશ્ન પૂછાયે હતો. વડા પ્રધાને અખબારને જણાવ્યું હતું કે ઈકોનોમીના અન્ય સેક્ટર્સકની માફક વેડિંગ ઈન્ડસ્ટ્રી પણ ધામધૂમથી કામે લાગી જશે અને લગ્નો પણ જોરદાર થશે. ઉલ્લેખનીય છે કે જ્હોન્સનના રોડમેપ અનુસાર જૂન મહિનામાં લગ્નો અને મહેમાનોની સંખ્યા સંબંધિત તમામ નિયંત્રણો ઉઠાવી લેવાશે.
જ્હોન્સનના ખાસ સલાહકાર કોમિનિક કમિંગ્સ અને મિસ સાયમન્ડ્સ વચ્ચે સંઘર્ષના પગલે કમિન્સે હોદ્દો છોડવો પડ્યો હતો ત્યારથી ડાઉનિંગ સ્ટ્રીટમાં ટીમો વચ્ચે ગળાંકાપ હરીફાઈ હોવાનું સમાચારોમાં આવતું રહે છે. જોકે, જ્હોન્સને કહ્યું હતું કે નંબર ૧૦ ‘ગીતો ગાતાં પંખીઓનો માળો’ છે. તેમણે ટોરીઝને ચેતવણીના સૂરમાં એમ પણ કહ્યું હતું કે બ્રિટિશ પ્રજા સરકાર કોવિડ મહામારીનો એકસંપ સામનો કરે તેમ ઈચ્છે છે.


