જ્હોન્સન અને સુનાકની ‘આઝાદી’ છીનવાઈઃ આઈસોલેશનમાં રહેશે

Wednesday 21st July 2021 04:34 EDT
 
 

લંડનઃ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદ સાથે નિકટના સંપર્કમાં આવવા છતાં વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ચાન્સેલર રિશિ સુનાકે રોજિંદા લેટરલ ફ્લો ટેસ્ટના ઓઠાં હેઠળ ક્વોરેન્ટાઈનને ટાળવાના પ્રયાસ કર્યા હતા પરંતુ, ભારે દબાણના તે તેમણે ક્ષોભજનક પીછેહઠ કરવી પડી છે. ૧૯ જુલાઈના આઝાદી દિન અગાઉ જ તેમની ‘આઝાદી’ છીનવાઈ ગઈ હતી. જ્હોન્સન અને સુનાકે અગાઉ દરરોજ લેટરલ ફ્લો ટેસ્ટ કરાવવાની જાહેરાત કરી હતી. આ ટેસ્ટ પછી લોકો રોજ કામકાજ ચાલુ રાખી શકે છે અને આઈસોલેટ થવું પડતું નથી. ઉલ્લેખનીય છે કે મહામારીની ૨૦૨૦ની પ્રથમ લહેરમાં જ્હોન્સનને સંક્રમિત થવા સાથે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું હતું.

જોકે, રાજકારણીઓ, બિઝનેસ અગ્રણીઓ અને જનતાના સભ્યોએ ભારે વિરોધ દર્શાવતા તેમણે ઝૂકી જવું પડ્યું હતું. તેમની સામે ‘વીઆઈપી લેન’સુવિધા મેળવવાનો આક્ષેપ કરાયો હતો જે વર્કર્સને મળતી નથી અને તેમણે સેલ્ફ આઈસોલેટ થવાની ફરજ પડે છે જેના પરિણામે, ઘણા બિઝનેસીસ અને પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પણ પહોંચી છે.

નંબર ૧૦ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, NHS Test and Trace દ્વારા વડા પ્રધાનનો સંપર્ક કરી જણાવાયું હતું કે તેઓ કોવિડથી સંક્રમિત કોઈ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છે. આ સમયે તેઓ ચેકર્સ ખાતે હતા અને ૨૬ જુલાઈ સુધી ત્યાં જ આઈસોલેશનમાં રહેશે. તેઓ દૂર રહી મિનિસ્ટર્સ સાથે વર્ચ્યુઅલ મીટિંગો કરશે. NHS Test and Trace દ્વારા ચાન્સેલરનો પણ સંપર્ક કરાયો છે અને તેઓ પણ આઈસોલેશનમાં રહેશે. એક આંતરિક સૂત્રે જણાવ્યા અનુસાર લગભગ અડધી કેબિનેટ આઈસોલેશનમાં આવી જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter