જ્હોન્સન ક્લાઈમેટ ચેન્જની સમસ્યા હલ કરવાના પ્રયાસોથી નિરાશ

Wednesday 22nd September 2021 06:07 EDT
 
 

ન્યૂ યોર્કઃ યુએસની મુલાકાતે ગયેલા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સોમવાર, ૨૦ સપ્ટેમ્બરે યુનાઈટેડ નેશન્સ ખાતે વિશ્વનેતાઓને સંબોધતા જણાવ્યું હતું કે ક્લાઈમેટ ચેન્જની સમસ્યા હલ કરવાના તેમના પ્રયાસોથી નિરાશા ઉપજી છે. તેમની પ્રતિબદ્ધતાઓ ધ્યેયની નજીક પણ પહોંચી શકી નથી. ઓદ્યોગિક વિકસિત રાષ્ટ્રોએ જે વચનો આપ્યા હતા અને તેમાંથી જે પાળવામાં આવ્યા છે તેમના વચ્ચે વિશાળ અંતર રહી ગયું છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીમાં આ મુદ્દે ચર્ચાનું સહ-આયોજન કરતા જ્હોન્સને સાથી નેતાઓને વિકાસશીલ રાષ્ટ્રોને મદદ કરવા ચાવીરૂપ નાણાકીય બાંહેધરીઓ આપી હતી તે પાર પાડવાના પ્રયાસોને તાજા કરવા અનુરોધ કર્યો હતો. વિકાસશીલ દેશો તેમના કાર્બન એમિશન્સમાં કાપ મુકી શકે અને ક્લાઈમેટ ચેન્જ સામે પોતાનું રક્ષણ કરી શકે તેના સપોર્ટ માટે વિકસિત દેશો દર વર્ષે ૧૦૦ બિલિયન ડોલર (૭૩ બિલિયન પાઉન્ડ) આપવાની કટિબદ્ધતા દર્શાવે તેવી ઈચ્છા જ્હોન્સને દર્શાવી હતી.

જોકે, તેમણે અગાઉ રિપોર્ટર્સને જણાવ્યું હતું કે નવેમ્બરમાં ગ્લાસગોમાં યોજાનારી COP26 ક્લાઈમેટ શિખર પરિષદ પહેલા તેમનું આ લક્ષ્ય સિદ્ધ થાય તેવી શક્યતા ‘૧૦માંથી ૬’ જેટલી છે. આ પરિષદ વિશ્વ માટે ટર્નિંગ પોઈન્ટ તેમજ આપણે જ્યારે મોટા થઈ આપણી જવાબદારીઓ ઉઠાવીએ તે માટેની પળ બની રહેશે

જ્હોન્સને એમ પણ જણાવ્યું હતું કે,‘વિશ્વના સૌથી મોટાં અર્થતંત્રોના લીધે આ સમસ્યા સર્જાઈ છે જ્યારે નાના અર્થતંત્રોએ સૌથી વિષમ પરિણામો ભોગવવા પડે છે. સમગ્ર વિશ્વમાં પ્રગતિ સધાઈ રહી છે ત્યારે અપાયેલા વચન, કરાયેલા પાલન અને  જે થવું જોઈએ તેની વચ્ચે ભારે તફાવત રહ્યો છે.’ તેમણે દેશોને ચેતવણી આપી હતી કે જો ફાઈનાન્સિંગ ટાર્ગેટ્સ પૂરાં નહિ કરાય તો પરિણામો ભોગવવાના રહેશે. ગત સપ્તાહે ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા જાહેર આંકડા મુજબ ૨૦૧૯માં ૭૯.૬ બિલિયન ડોલર એકત્ર થયા હતા જે રકમ લક્ષ્ય કરતાં ૨૦ બિલિયન ડોલર જેટલી ઓછી હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter