જ્હોન્સન બ્રેક્ઝિટ ડીલ બહુમતીથી પસારઃ ઈયુમાંથી બહાર નીકળવાનો માર્ગ મોકળો

Tuesday 24th December 2019 01:34 EST
 
 

લંડનઃ બ્રિટન આખરે ૩૧ જાન્યુઆરી, ૨૦૨૦ના દિવસે ૨૮ સભ્યોના આર્થિક બ્લોક યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળી શકે તેનો માર્ગ મોકળો બન્યો છે. હાઉસ ઓફ કોમન્સના નવા ચૂંટાયેલા સભ્યોએ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની બ્રેક્ઝિટ સમજૂતી- વિથ્ડ્રોઅલ એગ્રીમેન્ટ બિલ (WAB)ને ૩૫૮ વિરુદ્ધ ૨૩૪ મત એટલે કે ૧૨૪ મતની બહુમતીથી પસાર કરીને જોરદાર પ્રતિસાદ આપ્યો હતો. શુક્રવાર ૨૦ ડિસેમ્બરે લેવાયેલા પ્રથમ મતદાનમાં ટોરી સરકારનો વિજય થયો છે. ઉલ્લેખનીય છે કે ‘ગેટ બ્રેકિઝટ ડન’ના સંદેશ સાથે ૧૨ ડિસેમ્બરની ચૂંટણીમાં ઉતરેલા બોરિસ જ્હોન્સન અને તેમના કન્ઝર્વેટિવ પાર્ટીને બ્રિટિશરોએ જંગી બહુમતી આપી છે. ટોરી સાંસદોએ મતદારો દ્વારા ‘સંહાર’ કરાયેલા ગણાવી લેબરનેતા જેરેમી કોર્બીનની હાંસી ઉડાવી હતી.

વડા પ્રધાન તેમના થોડા ફેરફાર કરાયેલા WAB સાથે કોમન્સ સમક્ષ આવ્યા હતા અને સાંસદોએ તેને બહુમતી સાથે ૩૫૮ વિરુદ્ધ ૨૩૪ મતે પ્રથમ વાંચનમાં પસાર કરતા પ્રથમ અવરોધ પાર થયો છે. બિલમાં ડિસેમ્બર ૨૦૨૦ સુધીના ટ્રાન્ઝીશન પીરિયડમાં કોઈ ફેરફાર લાવી શકાશે નહિ તેવો મુખ્ય સુધારો કરાયો છે. ટોરી પાર્ટીના નવ સાંસદો મતદાન કરી શક્યા ન હતા. લેબર પાર્ટી, ડીયુપી, લિબરલ ડેમોક્રેટ્સ અને SNP સહિતના વિરોધ પક્ષોએ બિલની વિરુદ્ધ મતદાન કર્યું હતું પરંતુ, લેબર પાર્ટીના છ બળવાખોર સાંસદે નેતા જેરેમી કોર્બીનની અવગણના કરી બિલને ટેકો આપ્યો હતો. તેમના વધુ ૩૨ સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. જોકે, આ બિલમાં નિર્વાસિતો અને કામદારો સંબંધિત કેટલાક રક્ષણોને પડતા મૂકાયા હોવાથી લેબર પાર્ટીએ વડા પ્રધાનની ભારે ટીકા કરી હતી.

ક્રિસમસના વિરામ પછી કોમન્સ મળે ત્યારે તેમાં વધુ મતદાન અને ચર્ચા યોજાશે. સરકારને જાન્યુઆરીની મધ્યમાં WAB કાયદાપોથીમાં સ્થાન મેળવી શકે તેવી આશા છે જેથી, સમયમર્યાદા અગાઉ ડાયવોર્સ બિલને બહાલી આપવા યુરોપિયન પાર્લામેન્ટને પૂરતો સમય મળી રહે.જ્હોન્સનને દેખીતી રીતે ૮૦ બેઠકની બહુમતી હોવાથી WAB કોઈ પણ અવરોધ વિના આગળ વધશે અને બ્રિટન ૩૧ જાન્યુઆરીની વર્તમાન સમયમર્યાદાએ ઈયુમાંથી બહાર નીકળી શકશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter