લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સન સાતમી વખત પિતા બનવા જઈ રહ્યા છે. કેરી જ્હોન્સને ક્રિસમસના સમયમાં માતા બનવાની આશાપૂર્ણ જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં કેરીની આશા મિસકેરેજ થવાથી રોળાઈ ગઈ હતી. જ્હોન્સન અને કેરી ગત વર્ષે એપ્રિલમાં પ્રથમ સંતાન વિલ્ફ્રેડ લોરી નિકોલસ જ્હોન્સનના પેરન્ટ બન્યાં હતાં.
ઈન્સ્ટાગ્રામ પર સગર્ભાવસ્થાની જાહેરાત કરતાં ૩૩ વર્ષીય કેરી જ્હોન્સને જણાવ્યું હતું કે તેઓ અને તેમના પતિ આ વર્ષે ક્રિસમસ- ડિસેમ્બર મહિનામાં ‘રેઈનબો બેબી’ની આશા ધરાવે છે. તેમણે વર્ષની શરૂઆતમાં કસુવાવડ થયાનું પણ જણાવ્યું હતું. સામાન્યપણે મિસકેરેજની જાહેરાત કરાતી નથી પરંતુ, કેરીએ આ પ્રથાને તોડી છે. મિસકેરેજ, સ્ટીલબર્થ અથવા નવજાત અવસ્થામાં બાળકના મોત પછી પરિવારમાં આવનારું બાળક ‘રેઈનબો બેબી’તરીકે ઓળખાવાય છે. કેરી-બોરિસના પ્રથમ સંતાનનું નામ વિલ્ફ્રેડ છે અને તેને ૧૫ માસ થયા છે.
બોરિસ વડા પ્રધાન બન્યા તે પહેલા ૨૦૧૮માં કેરી સાયમન્ડ્સ સાથે પ્રેમમાં પડ્યા હતા. તેઓ લગ્ન કર્યા વિના જ ૧૦ ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રહેતા હતા. તેમણે ૨૦૨૧ની ૨૯ મેએ કેથોલિક વેસ્ટમિન્સ્ટર કેથેડ્રલમાં ગુપ્તપણે કેરી સાથે લગ્ન કર્યા હતા. કેરી તેમની ત્રીજી પત્ની છે. બીજી પત્ની મરીના વ્હીલર સાથે ગયા વર્ષે જ છુટાછેડા થયા હતા. મરીના અને બોરિસના ચાર સંતાન છે. આર્ટ કન્સલ્ટન્ટ હેલન મેસિન્ટાયર સાથે એફેરથી તેઓ ૨૦૦૯માં પાંચમા સંતાન સ્ટેફાનીના પિતા બન્યા હતા. ૧૭૦ વર્ષમાં સત્તાકાળ દરમિયાન બાળકના પિતા બનેલા ચોથા વડા પ્રધાન બોરિસ જ્હોન્સન છે. અગાઉ, ડેવિડ કેમરન, ટોની બ્લેર અને ૧૯મી સદીના વડા પ્રધાન જ્હોન રસેલ તેમના સત્તાકાળમાં જ પિતા બન્યા હતા.


