લંડનઃ પૂર્વ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનના પાર્ટીગેટ કૌભાંડની ઈન્ક્વાયરીમાં કાનૂની બચાવ માટે કરદાતાઓના 220,000 પાઉન્ડ પૂરા પાડવાના કેબિનેટ ઓફિસના વિવાદી નિર્ણયની તપાસ સ્પેન્ડિંગ વોચડોગ નેશનલ ઓડિટ ઓફિસ (NAO) દ્વારા કરાશે.
પાર્ટીગેટ કૌભાંડની ઈન્ક્વાયરી હજુ શરૂ કરાઈ નથી પરંતુ, તેના કાનૂની બચાવના ફંડના નિર્ણય મુદ્દે સત્તાવાર તપાસ અગાઉNAOના ડાયરેક્ટર કેબિનેટ ઓફિસના અધિકારીઓ સાથે વાતચીત કરશે. પૂર્વ વડા પ્રધાન જ્હોન્સને લોકડાઉનના ગાળામાં તેમની કાર્યવાહીનો બચાવ કરતા કહ્યું હતું કે તેમણે કશું ઈરાદાપૂર્વક કર્યું નથી. તેઓ જે કરી રહ્યા હતા તે નિયમો અનુસારનું હોવાનું તેમનું માનવું હતું. પાર્ટીગેટ મુદ્દે પાર્લામેન્ટને ગેરમાર્ગે દોરી હોવાનો આક્ષેપ જ્હોન્સન સામે કરાયો છે.
કેબિનેટ ઓફિસે ઓગસ્ટ 2022માં કાનૂની સલાહ માટે પીટર્સ એન્ડ પીટર્સની ફર્મ સાથે 129,000 પાઉન્ડના પ્રારંભિક કોન્ટ્રાક્ટને લીલી ઝંડી આપી હતી. જેનો ઉપયોગ ગત ઉનાળામાં પ્રિવિલેજ કમિટીની તપાસ શરૂ થઈ ત્યારે જ્હોન્સને પોતાના બચાવ માટે કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ 28 ફેબ્રુઆરી સુધી લંબાવાયો હતો અને બજેટ વધીને 220,000 પાઉન્ડ થયું હતું. દરમિયાન, લેબર પાર્ટીના નેતા કેર સ્ટાર્મરે વડા પ્રધાન રિશિ સુનાકને અનુરોધ કર્યો છે કે તકેમણે જ્હોન્સનને તેમના બચાવનું બિલ જાતે જ ચૂકવવાનું ભારપૂર્વક કહેવું જોઈએ.


