લંડનઃ વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની તાજેતરની ભારતયાત્રા દરમિયાન ગુજરાતમાં JCB ફેક્ટરીની મુલાકાતને કારણે બ્રિટનમાં વિવાદ થયો છે. બ્રિટિશ સાંસદોએ પણ પાર્લામેન્ટમાં જેસીબી ફેક્ટરીની મુલાકાતની આકરી ટીકા કરી હતી. જેસીબી પર જ્હોન્સનની તસવીરો પ્રસિદ્ધ થયા પછી મીમ્સની ભરમાર જોવા મળી હતી. જ્હોન્સનની આ તસવીર એવા સમયે પ્રસિદ્ધ થઇ હતી જ્યારે ભારતમાં દબાણો વિરુદ્ધ જેસીબી દ્વારા કાર્યવાહી કરાઈ રહી હતી.
લેબર પાર્ટીના મુસ્લિમ મહિલા સાંસદો ઝારા સુલાતાના અને નાદિયા વ્હિટમના જ્હોન્સનની નિંદા કરતા વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. લેબર સાંસદ ઝારા સુલતાનાએ કહ્યું હતું કે વડા પ્રધાને ભારત પ્રવાસની શરૂઆત, જેસીબી પ્લાન્ટની મુલાકાત સાથે કરી હતી અને તેના એક દિવસ પહેલાં જ જેસીબીના બુલડોઝર્સનો ભારતમાં હિંસા બાદ દિલ્હી અને અન્ય સ્થળોએ મુસ્લિમોના ઘર અને બિઝનેસ પ્રતિષ્ઠાનોને તોડવા માટે કરાયો હતો. સુલતાનાએ સવાલ ઉઠાવ્યો હતો કે શું વડા પ્રધાન જ્હોન્સન અને વડાપ્રધાન મોદી વચ્ચે આ મુદ્દો ઊઠયો હતો અને શું વડા પ્રધાન જ્હોન્સન કબૂલે છે કે તેમની જેસીબી ફેક્ટરીની મુલાકાત એક ભૂલ હતી. સુલતાનાએ કહ્યું હતું કે બોરિસ જ્હોન્સન ભારતના પ્રવાસમાં મુસ્લિમવિરોધી હિંસા મુદ્દે મોદીને પડકારવામાં નિષ્ફળ રહ્યા હતા.
લેબર સાંસદ નાદિયા વ્હિટમે કહ્યું હતું કે, જ્હોન્સને જેસીબી મશીન પર તસવીર ખેંચાવી હતી. શું વડા પ્રધાન સ્વીકારે છે કે તેમની ભારતયાત્રાએ મોદી સરકારની ગતિવિધિને કાયદેસરતા પ્રદાન કરવામાં મદદ કરી છે?

