લંડનઃ યુકેના નવા વડા પ્રધાન બોરિસ જ્હોન્સને તેમની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે, જેમાં પૂર્વ વડા પ્રધાન થેરેસા મે કેબિનેટના જેરેમી હન્ટ, પેની મોરડાઉન્ટ સહિત મોટા ભાગના સભ્યોની હકાલપટ્ટી કરવામાં આવી છે. તેમની કેબિનેટમાં મુખ્યત્વે બ્રેક્ઝિટતરફીઓનો સમાવેશ કરાયો છે. બોરિસ કેબિનેટમાં ડોમિનિક રાબને ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટરની સાથોસાથ ફોરેન સેક્રેટરીનું સ્થાન અપાયું છે. એશિયન મૂળના બે મહત્ત્વના રાજકારણી મૂળ ભારતીય પ્રીતિ પટેલને હોમ સેક્રેટરી, મૂળ પાકિસ્તાનના સાજિદ જાવિદને ચાન્સેલર તરીકે સ્થાન અપાયું છે. માઈકલ ગોવને કેબિનેટ ઓફિસ મિનિસ્ટર, બેન વોલેસને ડિફેન્સ સેક્રેટરી, લિઝ ટ્રસને ટ્રેડ સેક્રેટરી, આન્દ્રેઆ લીડસોમને બિઝનેસ સેક્રેટરી, થેરેસા વિલિયર્સને એન્વિરોન્મેન્ટ સેક્રેટરી, ગેવિન વિલિયમસનને એજ્યુકેશન સેક્રેટરી, મેટ હેનકોકને હેલ્થ એન્ડ સોશિયલ કેર સેક્રેટરી બનાવાયા છે. આ ઉપરાંત, બોરિસના ભાઈ જો જ્હોન્સનને યુનિવર્સિટી મિનિસ્ટર તેમજ મુખ્ય યુરોસ્કેપ્ટિક સમર્થક જેકોબ રીસ-મોગને હાઉસ ઓફ કોમન્સના નવા નેતા તરીકેનું સ્થાન અપાયું છે. જ્હોન્સને બ્રેક્ઝિટના આર્કિટેક્ટ ડોમિનિક કમિન્સને પોતાના ખાસ સલાહકાર બનાવ્યા હતા.રીમેઈન છાવણીની અન્ય મહત્ત્વપૂર્ણ નિયુક્તિઓમાં ઈન્ફોસિસના સહસ્થાપક નારાયણમૂર્તિના જમાઈ રિશિ સુનાકને ચીફ સેક્રેટરી ટુ ધ ટ્રેઝરી અને આલોક શર્માને ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરીનો સમાવેશ થયો છે.
વડા પ્રધાન જ્હોન્સને ૧૮ મિનિસ્ટરની હકાલપટ્ટી કરી હતી. જોકે, તેમણે ઈતિહાસમાં સૌથી વૈવિધ્યપૂર્ણ કેબિનેટ્સમાં એકની રચના કરી છે. હવે તેઓ આશા રાખશે કે નવી કેબિનેટ બ્રેક્ઝિટને પાર પાડી દેશ અને પાર્ટીને એકજૂથ બનાવી શકશે. થેરેસા કેબિનેટના ચાન્સેલર ફિલિપ હેમન્ડ, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે, લિયામ ફોક્સ, ગ્રેગ ક્લાર્ક અને રોરી સ્ટુઅર્ટે તેમના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. ટોરી પાર્ટીની નેતાગીરી માટે બોરિસના મુખ્ય પ્રતિસ્પર્ધી અને ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટ તેમજ ડિફેન્સ સેક્રેટરી પેની મોરડાઉન્ટ, ડેમિયન હિન્ડ્સ, જેમ્સ બ્રોકેનશાયર, ડેવિડ મુન્ડેલ અને કારેન બ્રેડલીને નવી કેબિનેટમાં સ્થાન અપાયું ન હતુ.
વડા પ્રધાને રીમેઈન છાવણીને પણ મહત્ત્વ આપતા નિકી મોર્ગનને કલ્ચરલ સેક્રેટરી તરીકે અને પૂર્વ ટોરી ચેરમેન ગ્રાન્ટ શાપ્સને ટ્રાન્સપોર્ટ સેક્રેટરી તરીકે સ્થાન આપ્યું હતું. ઓલિવર ડાઉડેનનો પેમાસ્ટર જનરલ તેમજ રોબર્ટ જેનરિકનો હાઉસિંગ સેક્રેટરી તરીકે સમાવેશ થયો છે. પખવાડિયા અગાઉ જ સેકન્ડ રેફરન્ડમની હિમાયત પાછી ખેંચી નો ડીલને સમર્થન જાહેર કરનારા એમ્બર રડને વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી તેમજ યુરોપિયન ચૂંટણીઓ અગાઉ મે મહિનામાં કોમન્સ હાઉસના નેતાપદેથી રાજીનામું આપનારા આન્દ્રેઆ લીડસોમને નવા બિઝનેસ સેક્રેટરી તરીકે રખાયાં છે.
નવા રીજિયોનલ મિનિસ્ટર્સમાં નોર્ધર્ન આયર્લેન્ડ માટે જુલિયન સ્મિથ, સ્કોટલેન્ડ માટે એલિસ્ટર જેક અને વેલ્શ સેક્રેટરી તરીકે એલુન કેઈર્ન્સનો સમાવેશ થયો છે.
ચાન્સેલર સાજિદ જાવિદઃ
જ્હોન્સન કેબિનેટમાં ૪૯ વર્ષના મૂળ પાકિસ્તાની અને ચૂસ્ત રીમેઈનર સાજિદ જાવિદને ચાન્સેલર તરીકે પ્રમોશન અપાયું છે. તેમણે ૧૮ વર્ષ સુધી બેન્કિંગ કારકીર્દિ પછી ડોઈચે બેન્કના બોર્ડ મેમ્બર કરીકે પદભાર સંભાળ્યો હતો. આ કારણે તેઓ યુકેના અર્થતંત્રનો કાર્યભાર સારી રીતે સંભાળી શકશે તેમ મનાય છે. તેઓ થેરેસા મે કેબિનેટમાં હોમ સેક્રેટરી હતા. તેમના પિતા ઈમિગ્રન્ટ બસ ડ્રાઈવર છે જેઓ ૧૯૬૧માં ખિસામાં માત્ર એક પાઉન્ડ સાથે યુકે આવ્યા હતા. બ્રોમ્સગ્રોવના સાંસદે સરકારી શાળા અને એક્સટર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે. ગત વર્ષે હોમ સેક્રેટરી બન્યા પછી થેરેસા મેનાં રાજીનામાંના પગલે તેમણે વડા પ્રધાન બનવાની ઈચ્છા સાથે ટોરી પાર્ટીની નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું. જોકે, ચોથા સ્થાને આવી નેતાગીરી સ્પર્ધામાંથી બહાર નીકળી ગયા પછી તેમણે બોરિસ જ્હોન્સનને સમર્થન જાહેર કર્યું હતું.
હોમ સેક્રેટરી પ્રીતિ પટેલઃ
ઈસેક્સના વિથામના ૪૭ વર્ષીય સાંસદ પ્રીતિ પટેલ પૂર્વ વડા પ્રધાન થેરેસા મે દ્વારા હકાલપટ્ટી કરાયાં પછી ફરી કેબિનેટમાં પરત આવ્યાં છે. ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સહિત ઈઝરાયેલી અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે ગુપ્ત બેઠકો યોજવા બદલ તેમને કેબિનેટમાંથી દૂર કરાયાં હતાં. તેમણે ૨૦૧૧માં મૃત્યુદંડની સજા ફરી લાગુ કરવાની હિમાયત કરીને વિવાદ સર્જેલો છે. પ્રીતિ પટેલનો ગુજરાતી પરિવાર ૧૯૭૨માં યુગાન્ડાથી ખાલી ખિસ્સે યુકે ભાગી આવ્યો હતો. તેમના પિતા સુશીલ પટેલે નોર્થ લંડનના ટોટેનહામમાં કોર્નર શોપ ખોલી હતી. પ્રીતિ પટેલે વોટફર્ડની શાળામાં તેમજ કીલે યુનિવર્સિટીમાં ઈકોનોમિક્સનો અભ્યાસ કર્યો છે અને ૧૭ વર્ષની વયે ટોરી પાર્ટીમાં જોડાયાં હતાં. ડ્રિન્ક્સ મલ્ટિનેશનલ ડિઆજિયોમાં પૂર્વ પીઆર અને પોલિસી એડવાઈઝર રહેલાં પ્રીતિએ ૨૦૦૪માં માર્કેટિંગ કન્સલટન્ટ એલેક્સ સોયર સાથે લગ્ન કર્યાં છે.
ડેપ્યુટી પીએમ અને ફોરેન સેક્રેટરી ડોમિનિક રાબઃ
એશર અને વોલ્ટનના હાર્ડકોર બ્રેક્ઝિટીઅર સાંસદ ડોમિનિક રાબને ફર્સ્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ અથવા તો વડા પ્રધાનના ડેપ્યુટી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમણે વર્ષ ૨૦૦૦માં ફોરેન ઓફિસના ઈન-હાઉસ ધારાશાસ્ત્રી તરીકે કામગીરી બજાવી હતી અને આજે તેઓ ડિપાર્ટમેન્ટના વડા બની ગયા છે. તેઓ છ વર્ષની વયે ઝેક યહુદી પિતા સાથે બીજા વિશ્વ યુદ્ધ અગાઉ ૧૯૩૮માં નાઝીઓથી ભાગી બ્રિટનમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. કરાટે બ્લેક બેલ્ટ અને ૧૯૯૫માં ઓક્સફર્ડ યુનિવર્સિટીના પૂર્વ બોક્સિંગ બ્લુ રાબે બેરાઝિલમાં જન્મેલાં માર્કેટિંગ એક્ઝિક્યુટિવ એરિકા સાથે લગ્ન કર્યા છે. ગત વર્ષે બ્રેક્ઝિટ સેક્રેટરી તરીકે ચાર મહિનાના અનુભવ પછી રાબ માટે આ મહત્ત્વનું પ્રમોશન છે. નો ડીલના સમર્થક રાબે નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું પરંતુ, બહાર નીકળી ગયા પછી તેમણે બોરિસ જ્હોન્સનને સમર્થન જાહેર કર્યું હતું.
કેબિનેટ ઓફિસ મિનિસ્ટર માઈકલ ગોવઃ
સરે હીથના ૫૧ વર્ષીય સાંસદ અને ચુસ્ત બ્રેક્ઝિટીઅર માઈકલ ગોવે રીફોર્મર તરીકે વ્હાઈટહોલના એજ્યુકેશન, જસ્ટિસ, એન્વિરોન્મેન્ટ સહિત વિવિધ વિભાગોમાં કામગીરી બજાવી છે. પૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની સરકારમાં તેમણે ફ્રી સ્કૂલ્સ યોજના દાખલ કરવા ઉપરાંત, શાળાઓના અભ્યાસક્રમોમાં શ્રેણીબદ્ધ અને વિવાદાસ્પદ સુધારાઓ આગળ વધાર્યા હતા. થેરેસા સરકારના એન્વિરોન્મેન્ટ સેક્રેટરી તરીકે તેમણે પ્લાસ્ટિકના વપરાશ વિરુદ્ધ જંગ છેડ્યો હતો. ૨૦૧૬ની નેતાગીરી સ્પર્ધામાં તેમણે છેલ્લી ઘડીએ જ્હોન્સનનો સાથ છોડી દીધો હતો. થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીના સમર્થક રહેલા ગોવે આ વર્ષે પણ નેતાગીરીની સ્પર્ધામાં ઝંપલાવ્યું હતું પરંતુ, શાળાના દિવસોમાં કોકેઈનના ઉપયોગની કબૂલાત પછી તેમની સ્થિતિ નબળી પડી હતી. જોકે, તેઓ ત્રીજા સ્થાને રહ્યા હતા. ધ ટાઈમ્સના પૂર્વ જર્નાલિસ્ટ ગોવના લગ્ન કોલમિસ્ટ સારાહ વાઈન સાથે થયેલા છે.
ડિફેન્સ સેક્રેટરી બેન વોલેસઃ
લગભગ ૧૫ વર્ષથી સાંસદ અને ૧૨ વર્ષથી ફ્રન્ટબેન્ચર બેન વોલેસ પૂર્વ મિલિટરી હીરો છે. ૫૧ વર્ષીય વોલેસે સ્કી ઈન્સ્ટ્રક્ટર તરીકે થોડો સમય કામ કર્યા પછી સેન્ડહર્સ્ટ મિલિટરી એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો અને નોર્ધર્ન આયર્લેન્ડમાં આઠ વર્ષ ફરજ બજાવી હતી અને કેપ્ટનની રેન્ક સુધી પહોંચ્યા હતા. તેમણે સાયપ્રસ, જર્મની અને સેન્ટ્રલ અમેરિકામાં પણ ફરજ બજાવી હતી. રીમેઈન છાવણીના અને બોરિસ કેબિનેટમાં ઓછાં જાણીતા વોલેસે ૨૦૦૧માં લિઝા સાથે લગ્ન કર્યા છે અને ત્રણ સંતાનના પિતા છે. કેબિનેટમાં સ્થાન મેળવવા અગાઉ તેમણે સિક્યુરિટી મિનિસ્ટર તરીકે ત્રણ વર્ષ કામ કર્યું છે. ઈરાની લશ્કરે ઝડપેલા બ્રિટિશ જહાજને પરત લાવવાની કામગીરી તેમની પ્રથમ ભૂમિકાની પરીક્ષા કરશે. જ્હોન્સન સંરક્ષણખર્ચ વધારવા અને બ્રિટિશ નૌકાદળને વધુ મજબૂત બનાવવા માગે છે.
વડા પ્રધાન બોરિસ જ્હોન્સનની નવી કેબિનેટ
સાજિદ જાવિદઃ ચાન્સેલર ઓફ એક્સચેકર
પ્રીતિ પટેલઃ હોમ સેક્રેટરી
ડોમિનિક રાબઃ ફોરેન સેક્રેટરી/ફર્સ્ટ સેક્રેટરી
સ્ટીફન બાર્કલેઃ બ્રેક્ઝિટ સેક્રેટરી
માઈકલ ગોવઃ કેબિનેટ ઓફિસ મિનિસ્ટર
બેન વોલેસઃ ડિફેન્સ સેક્રેટરી
રોબર્ટ બકલેન્ડઃ જસ્ટિસ સેક્રેટરી
લિઝ ટ્રસઃ ઈન્ટરનેશનલ ટ્રેડ સેક્રેટરી
મેટ હેનકોકઃ હેલ્થ સેક્રેટરી
થેરેસા વિલિયર્સઃ એન્વિરોન્મેન્ટ સેક્રેટરી
ગેવિન વિલિયમસઃ એજ્યુકેશન સેક્રેટરી
આન્દ્રેઆ લીડસોમઃ બિઝનેસ સેક્રેટરી
નિકી મોર્ગનઃ કલ્ચરલ સેક્રેટરી
રોબર્ટ જેનરિકઃ હાઉસિંગ સેક્રેટરી
એમ્બર રડઃ વર્ક એન્ડ પેન્શન્સ સેક્રેટરી
આલોક શર્માઃ ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ સેક્રેટરી
ગ્રાન્સ શાપ્સઃ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી
જુલિયન સ્મિથઃ નોર્ધર્ન આયર્લેન્ડ સેક્રેટરી
એલિસ્ટર જેકઃ સ્કોટિશ સેક્રેટરી
એલુન કેઈર્ન્સઃ વેલ્શ સેક્રેટરી
જેમ્સ ક્લેવર્લીઃ ચેરમેન ઓફ કન્ઝર્વેટિવ પાર્ટી
જેકોબ રીસ-મોગઃ લીડર ઓફ ધ હાઉસ ઓફ કોમન્સ
બેરોનેસ ઈવાન્સઃ લીડર ઓફ ધ હાઉસ ઓફ લોર્ડ્સ
રિશિ સુનાકઃ ચીફ સેક્રેટરી ટુ ટ્રેઝરી
બોરિસે કત્લેઆમ ચલાવી
વડા પ્રધાન બોરિસ જ્હોન્સને નવી કેબિનેટની રચનામાં કત્લેઆમ જ ચલાવી છે. તેમણે જેરેમી હન્ટ, પેની મોરડાઉન્ટ, લિયામ ફોક્સ, ગ્રેગ ક્લાર્ક, ડેમિયન હિન્ડ્સ, જેમ્સ બ્રોકેનશાયર, જેરેમી રાઈટ, ડેવિડ મુન્ડેલ અને કારેન બ્રેડલી, મેલ સ્ટ્રાઈડ અને કેરોલિન નોક્સની કેબિનેટમાંથી હકાલપટ્ટી કરી હતી. નેતાગીરીની સ્પર્ધામાં પરાજિત પૂર્વ ફોરેન સેક્રેટરી જેરેમી હન્ટે જણાવ્યું હતું કે ‘મને મારું કાર્ય ચાલુ રાખવું ગમ્યું હોત પરંતુ, વિજેતાને પોતાની ટીમ બનાવવાની હોય તે સમજાય છે.’ તેમણે કહ્યું હતું કે જ્હોન્સન દ્વારા તેમને કેબિનેટમાં ભૂમિકા ઓફર કરાઈ હતી પરંતુ, તેમણે ડિમોશન નકારી કાઢ્યું હતું. કહેવાય છે કે પાર્ટી નેતાગીરીના મુખ્ય સ્પર્ધક જેરેમી હન્ટે ડેપ્યુટી વડા પ્રધાનનો હોદ્દો માગ્યો હતો, જે માગણી સ્વીકારાઈ ન હતી. પેની મોરડાઉન્ટે ડિફેન્સ સેક્રેટરી તરીકે માત્ર ૮૫ દિવસ કામગીરી કરી હતી. જ્હોન્સનની નો ડીલ બ્રેક્ઝિટ નીતિ સાથે અસંમત ચાન્સેલર ફિલિપ હેમન્ડ, જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકે, લિયામ ફોક્સ, ક્લેર પેરી અને રોરી સ્ટુઅર્ટે તેમના હોદ્દા પરથી રાજીનામાં આપી દીધા હતા. બીજી તરફ, ક્રિસ ગ્રેલિંગ અને ડેવિડ લિડિંગ્ટને નિવૃત્તિ જાહેર કરી હતી.


