જ્હોન્સનની ખાલી પડેલી બેઠક પર 20મી જુલાઇએ પેટાચૂંટણી યોજાશે

નાઇજલ એડમ્સની બેઠક પરથી માઇકલ નૌટનને મેદાનમાં ઉતારાયા

Tuesday 20th June 2023 12:49 EDT
 

લંડનઃ તાજેતરમાં જ હાઉસ ઓફ કોમન્સમાંથી સંસદસભ્યપદેથી રાજીનામું આપનારા પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોન્સનની ખાલી પડેલી બેઠક પર 20મી જુલાઇના રોજ પેટાચૂંટણી યોજાશે. કન્ઝર્વેટિવ પાર્ટી દ્વારા સ્ટીવ ટકવેલને મેદાનમાં ઉતારવાની ઘોષણા કરાઇ છે. જ્હોન્સને ગયા સપ્તાહમાં વેસ્ટ લંડનમાં આવેલી ઉક્સબ્રિજ અને સાઉથ રૂઇસ્લિપ બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું.

હિલિંગ્ડન કાઉન્સિલે એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, 12મી જૂને બોરિસ જ્હોન્સને સંસદસભ્યપદેથી રાજીનામું આપતાં ઉક્સબ્રિજ અને સાઉથ રૂઇસ્લિપ બેઠક પર 20મી જુલાઇના ગુરુવારે પેટાચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પાર્ટીમાં બળવો થયા બાદ બોરિસ જ્હોન્સનને વડાપ્રધાનપદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.

તે  ઉપરાંત જ્હોન્સનની સાથે સેલ્બી અને એઇન્સ્ટીના સાંસદ નાઇજલ એડમ્સે રાજીનામું આપતાં તેમની બેઠક પણ ખાલી પડી છે. આ બેઠક પર પણ 20મી જુલાઇએ પેટાચૂંટણી યોજાશે. કન્ઝર્વેટિવ પાર્ટીએ આ બેઠક પરથી માઇકલ નૌટનને મેદાનમાં ઉતાર્યા છે.

નેડિન ડોરિસે હાલ પુરતું રાજીનામું સ્થગિત રાખ્યું

નેડિન ડોરિસે હાલ પુરતું સાંસદપદેથી રાજીનામું આપવાનું સ્થગિત રાખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, મને લોર્ડની ઉપાધિ શા માટે અટકાવવામાં આવી તેની જાતે તપાસ કર્યા બાદ હું રાજીનામું આપીશ. બોરિસ જ્હોન્સનના રાજીનામાની સાથે જ રાજીનામાની જાહેરાત કરનાર ડોરિસ હવે કહે છે કે હું પહેલાં તો જ્હોન્સનના ઓનર્સ લિસ્ટની આસપાસ વણાયેલા સંજોગો ચકાસવા માગું છું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter